- દેશના કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે સોમનાથ જ્યોતિર્લિંગ
- મંદિર પરિસરમાં ભૂગર્ભમાં ત્રણ માળનું બાંધકામ હોવાનું જણાયું
- IIT ગાંધીનગરના આર્કિયોલોજી વિભાગે કર્યું સંશોધન
સોમનાથ: ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરના તજજ્ઞોએ આર્કિયોલોજીમાં વપરાતા અદ્યતન સાધનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથ તીર્થમાં સર્વે કરી જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધીના ઈન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઈબ્રેશન આવે એના પરથી ભૂતળની અંદર રહેલા આકારનો ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો. આ મશીન દ્વારા જમીનમાં વાઈબ્રેશન વેવ છોડવામાં આવે છે, તે સપાટી ઉપર કેટલું કંપન્ન ઉતપન્ન કરે છે તેના પરથી નીચે ક્યા પ્રકારની રચના અસ્તિત્વ ધરાવે છે તેનું તારણ કાઢવામાં આવે છે.
ક્યાં ક્ષેત્રમાં કરાયો અભ્યાસ?
IIT ગાંધીનગર દ્વારા ગઠિત આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી. સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણમાં 4 વિવિધ સ્થળે આ ટીમે GPR ઈન્વેસ્ટિગેશન કર્યું હતું. જેમાં ગોલોક ધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે તેમજ પૌરાણિક બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે, જેનો 32 પાનાંનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.
શું મળી આવ્યું પુરાતત્વીય અભ્યાસમાં?
સોમનાથ મંદિરના મુખ્યદ્વાર દિગ્વિજય દ્વારા અને સરદાર પટેલના સ્ટેચ્યૂની નીચે એલ આકારનું ત્રણ માળનું બાંધકામ હોવાનો આર્કિયોલોજી વિભાગે રિપોર્ટ તૈયાર કર્યો છે. સાથે જ સર્વે અનુસાર સોમનાથમાં આવેલી બૌદ્ધ ગુફાઓ નજીક પૌરાણિક રસ્તાઓ મળી આવ્યા છે. હિરણ નદીના કિનારે ગોલોકધામ તીર્થમાં પણ ભૂગર્ભ બાંધકામના પુરાવા મળ્યાનું આર્કિયોલોજી વિભાગ IIT ગાંધીનગરની ટીમના 32 પેજના રિપોર્ટમાં જણાવાયું છે. સોમનાથમાં મળેલા આ પુરાતન બાંધકામો સોમનાથની ભવ્યતા અને દિવ્યતામાં વધારો કરે છે અને સોમનાથમાં પુરાતત્વીય માનવ વસાહો નો નવો અધ્યાય સામે આવે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે.