- ઉનામાં વેક્સિનના બે ડોઝ લીધા બાદ નવાબંદર PHCના તબીબ કોરોના સંક્રમિત
- લાઠોદ્રામાં કોરોનાથી ત્રણ અને ઊનામાં 2ના મોત
- અર્બન સેન્ટરમાં 3 કર્મચારી કોરોના પોઝિટિવ
ગીર સોમનાથ: ઉના તાલુકાના નવાબંદર PHC કેન્દ્રના તબીબ આર. એસ. વાળા વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે અને હાલ તબીબ હોમ આઇસોલેટ છે. પરંતુ તબીબના જણાવ્યા મુજબ કોરોના વેક્સિનની સરકારની ગાઇડલાઇન મુજબ બે ડોઝ ન લીધા હોત તો કોરોના વાઈરસની બીજી લહેરમાં મારી હાલત કફોડી બની ગઇ હોત. વેક્સિનના લીધે મને કોઇ પ્રકારના મેજર લક્ષણો નથી.
કોરોનાની બીજી લહેર વાયુવેગે પ્રસરી રહી છે : આર. એસ. વાળા
PHC કેન્દ્રના તબીબે વધુમાં જણાવ્યું હતુ કે, હાલ કોરોનાની બીજી લહેર વાયુવેગે પ્રસરી રહી છે અને ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોના ફેલાઇ રહ્યો છે, ત્યારે વર્તમાન સમયમાં કોરોના સામે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તેમજ વેક્સિન જ અસરકારક છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન લીધા પછી કોરોના સંક્રમણ લાગે તો પણ અસર ઓછી રહે છે.
આ પણ વાંચો : વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની કમીથી એક સાથે 7 દર્દીઓના મોત : ધારાસભ્ય
એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોક
માળીયાના લાઠોદ્રા ગામે 24 કલાકમાં એક જ પરિવારના 3 સભ્યોના કોરોનાથી મોત થયા હતા. તો ઉનામાં બેનાં કોરોનાએ ભોગ લીધા હતા. માળિયા તા. પંચાયત સદસ્ય માનસિંગ લાખાણીએ જણાવ્યું હતું કે, એક આધેડનું અવસાન થયું છે. તેમના 3 પુત્રો છે, જે કોરોના પોઝિટિવ હતા. જેમાં એકનું જૂનાગઢમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેમના અંતિમ સંસ્કાર ચાલી રહ્યાં હતાં, તે દરમિયાન જ તેમના નાના ભાઈના મોતના સમાચાર આવ્યા હતા. જ્યારે ઉનામાં વધુ બે વ્યક્તિના કોરોનાથી મોત થયા છે.
માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડમાં સમાવેશ કરીને વિનામૂલ્યે કોરોનાની સારવાર આપવા માગ
બે દિવસ પહેલા 24 કલાકમાં કોરોનાથી 5 વ્યક્તિના મોત થયા હતા. ઉના તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં 10થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે તંત્ર આ આંકડા સાચા જાહેર કરતું નથી. કોરોનાની સારવાર માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડમાં સમાવેશ કરીને વિનામૂલ્યે સારવાર આપવા માગ ઉઠી છે.
આ પણ વાંચો : વિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો
અર્બન સેન્ટરમાં 3 કર્મચારી પોઝિટિવ
ઉના શહેરી આરોગ્ય કેન્દ્રના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ માટે સવારથી જ લોકોની લાંબી કતાર જોવા મળતી હોય છે, ત્યારે અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારી પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય છે. આજે 3 કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયેલ હતો. ઉનામાં વધી રહેલા કોરોના કેસના દર્દીઓને વધુ સારવાર માટે બહાર રેફર કરવામાં આવતા હોય છે, ત્યારે ઉનાની 10થી વધુ ખાનગી એમ્બ્યુલેન્સ દોડા દોડી કરી રહી છે.