- વાવાઝોડા પછી રાહત કામગીરી અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
- 14 લોકોના મૃત્યુ અને 24 લોકો ઇજગ્રસ્ત બન્યા જે તમામને સહાય ચૂકવવા મંજૂરી
- જિલ્લામાં 44 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેતી પાકોને નુકસાન થયું
ગીર-સોમનાથ : વાવાઝોડાના કહેર પછી જિલ્લાના ઉના અને ગીરગઢડા પંથકમાં રાહત બચાવના કાર્યો માટે તંત્ર દિવસ-રાત યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. ગીરગઢડા તાલુકો સંપૂર્ણ અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ગામો અંધારપટમાં હોવાનો જિલ્લા કલેક્ટરએ સ્વીકાર કરી અગામી તારીખ 30 સુધીમાં તમામ ગામોમાં વિજ પુરવઠો ફરી શરૂ કરવાનું લક્ષ્યાંક રાખી વિજકર્મીઓ કામ કરી રહ્યા છે.
40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સ્વીકારાયું
વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા જિલ્લાના ગામડાઓમાં 650 ટીમો કામ કરી રહી છે. જિલ્લામાં અસરગ્રસ્ત તમામ લોકોને સહાય આપવાના હેતુસર તંત્ર દ્વારા જુદા-જુદા વિભાગો થકી સર્વેની કામગીરી વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહી છે. વાવાઝોડાના લીઘે જિલ્લામાં 14 લોકોના મૃત્યુ થયા છે અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સ્વીકારી તમામને સહાય આપવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અજયપ્રકાશએ પત્રકાર પરિષદ યોજી
વાવાઝોડાના કહેરથી અસરગ્રસ્ત બનેલા જિલ્લાના લોકો અને તાલુકામાં તંત્ર દ્વારા કરાયેઇ રહેલી કામગીરી અને અત્યાર સુધીના સર્વેની કામગીરીમાં આવેલી હકકીતો જણાવવા અંગે આજરોજ જિલ્લા કલેક્ટર અજયપ્રકાશએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું છે કે, જિલ્લામાં દિવાલ પડી જતા ઉના તાલુકામાં 10, ગીરગઢડામાં 3 અને તાલાળામાં 1 મળી કુલ 14 લોકોના દુ:ખદ મૃત્યુ થયા છે.
950 વીજકર્મીઓ દિવસ-રાત કામગીરી કરી રહ્યા
તમામના વારસદારને સહાય મંજૂર કરવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ નુકશાન વીજ પુરવઠાને થયુ હોવાથી અત્યારે ગીરગઢડા તાલુકાનો સંપૂર્ણ અને ઉના તાલુકાના મોટાભાગના ગામોમાં અંધારપટ છે. ઉના, ગીરગઢડા અને કોડિનાર તાલુકાના 150 ગામોમાં વીજપૂરવઠો પર્વતિત કરવા 950 વીજકર્મીઓ દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. આગામી અઠવાડિયામાં તબક્કાવાર ગામોમાં વીજપૂરવઠો ચાલુ કરી દેવાશે અને તારીખ 30 સુઘીમાં ત્રણેય તાલુકામાંથી સંપૂર્ણ અંધારપટ દૂર કરવાના લક્ષ્યાંક તંત્રએ રાખ્યુ છે.
આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લાના 25 ગીર નેસડાઓમાં તંત્રની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં
ઘરવખરી અને મકાન નુકશાન અંગે 65 ટકા સર્વે પુર્ણ કરાયો
જિલ્લાના તમામ ગામોમાં વૈકલ્પિક વ્યવસ્થાઓ થકી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં 42 ગામોમાં ટેન્કરો શરૂ કરાયેલા છે. જયારે 100થી વધુ જનરેટર સેટો થકી અનેક ગામોમાં પાણીનું વિતરણ ચાલુ કરવામાં આવેલું છે. જિલ્લામાં ઘરવખરી અને મકાન નુકશાન અંગે 65 ટકા સર્વે પુર્ણ કરાયો છે. જયારે ખેતીમાં 40 ટકા સર્વેની કામગીરી પુર્ણ કરાઇ છે.
રાહત બચાવ માટે જિલ્લામાં 650 ટીમો કામો કરી રહી
વાવાઝોડાના ખતરાને લઇ સ્થળાંતર કરાયેલા પાત્રતા ધરાવતા 7 હજારથી વઘુ લોકો પૈકી અત્યાર સુધીમાં 5,079 લાભાર્થીઓને રૂપિયા 29.45 લાખની રકમ કેશડોલ તરીકે ચુકવાય છે. જિલ્લાના ત્રણ બંદરો પર 166 બોટોને નુકશાન થયાનું સર્વેમાં સામે આવ્યું છે. જિલ્લામાં રાહત બચાવ માટે 650 ટીમો કામો કરી રહી છે. પશુ મૃત્યુના સર્વે માટે 96 ટીમ, ઢોરના સર્વે માટે 120 ટીમ, વીજળી માટે 85 ટીમ, કેશડોલ માટે 121 ટીમ, ઘરવખરી મકાન માટે 7, મત્સ્યદ્યોગ માટે 7 ટીમ મળી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહી છે. રાજય સરકારે અન્ય જિલ્લામાંથી 92 મોટા વાહનો અને સંશાધનો તથા 149 કર્મચારીઓ ફાળવેલા છે.
ખેતી-બાગાયતીમાં 40 ટકા સર્વે પૂર્ણ
જિલ્લામાં વાવાઝોડાથી મકાનોને થયેલા નુકશાનીનો 65 ટકા સર્વે અને ખેતી-બાગાયતીમાં 40 ટકા સર્વે અને પૂર્ણ નુકશાન પામેલા કાચા-પાકા મકાનોના 65 ટકા સર્વે પુર્ણ થઇ ચુક્યો છે. જિલ્લામાં 3 હજારથી વધુ અબોલ પશુઓના મૃત્યુ થયાનું સામે આવ્યા છે. જિલ્લામાં 44 હજારથી વધુ હેક્ટર જમીનમાં ખેતી-બાગાયતી પાકોને નુકશાન પહોચ્યું છે. જિલ્લાના ગીરગઢડા તાલુકાના જંગલમાં આવેલા નેસ વિસ્તારમાં રહેતા 105 કુંટુંબોને પણ નુકશાન થયુ હોવાથી જે તમામને સહાય ચુકવવામાં આવનાર હોવાનું અંતમાં જણાવ્યું હતું.