ગીર સોમનાથ : સુત્રાપાડા અને આજુબાજુના ગામોમાં યુવાનો, વડીલો અને બાળકોએ મર્યાદિત સંખ્યામાં એકઠા થઇ અબીલ, ગુલાલ અને કંકુ વડે હોળી રમ્યા હતા. આ સાથે સૂર્યના તડકા માં એકઠા થઈ સમાજને વાયરસ ન ફેલાઈ એવો સંદેશો પાઠવ્યો હતો. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાં વાયરસનો કહેર છે. ત્યારે લોકોએ ઠંડા વાતાવરણમાં એકઠા ન થવું જોઈએ. તેમજ પાણી બચાવીને પર્વની ઉજવણી કરવી જોઈએ. હોળી અને ધૂળેટી પર્વ એ આસુરી શક્તિના નાશનું પર્વ છે.
આજના દિવસે સત્યનો વિજય અને અસત્યની હાર થઈ હતી. વ્યક્તિમાં રહેલા અનિષ્ટને બાળવાનું પર્વ એટલે હોળી. એ ખાલી જગ્યામાં આનંદ ઉલ્લાસને ભરવાનું પર્વ એટલે ધૂળેટી. ગ્રામ્ય પંથકમાં આ પર્વને માણવાનો અનેરો અવસર માણવા જેવો હોય છે. આ ઋતુ દરમિયાન પાકેલા ધાન્ય પાકો હોળીને તેમજ અગ્નિદેવને અર્પણ કરવામાં આવે છે. ધૂળેટીના દિવસે ઘેરૈયાઓ ફાગનાં ગીતો ગાઈ એક બીજા પર અબીલ ગુલાલ ઉડાડી અનેરો નિર્દોષ આનંદ લૂંટે છે.