શિયાળાની વિદાય વેળાએ ભારે માત્રામાં વિદેશી પક્ષીઓ સહિત કુંજ પક્ષીઓ કતારમાં આકાશમાં ઊડતાં જોવા મળે છે. ગુજરાતના દરિયા કિનારા પર હાલ ભારે માત્રામાં આવા પક્ષીઓ દેખાતા હોય ત્યારે તેનો શિકાર કરનારા પણ સતર્ક થયા છે.
ગતરાત્રે ધામળેજ નજીક વન વિભાગ દ્વારા મોડીરાત્રીના પેટ્રોલીંગ દરમિયાન 4 વ્યક્તિને 14 મૃત કુંજ પક્ષીઓ તેમજ શિકાર કરવાની મોટી પતંગ મોબાઈલ નંગ-3 વગેરે સાથે પકડ્યા છે, તો વન વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટરે જણાવ્યું કે, "ગત રાત્રીના અમારા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન ધામળેજ નજીકથી શંકાસ્પદ હાલતમાં 4 વ્યક્તિ નજરે પડતાં તેની તપાસ કરતાં 14 મૃત શિકાર કરેલા કુંજ પક્ષીઓ તેમજ શિકાર કરવા માટેની પતંગ દોરી તેમજ 3 મોબાઈલ મળતાં તેની ધરપકડ કરાઈ છે. હાલ આ બનાવની વડી કચેરીને જાણ કરાઈ છે. આ સાથે અમારા સ્ટાફ દ્વારા આ આરક્ષીત પક્ષીઓનો શિકાર અટકાવવા સતત પેટ્રોલીંગ પણ કરાઈ રહ્યું છે."