- રાજકોટમાંથી વગર કારણે 8 સિંહને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય મોકલાયા
- વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટે PM અને CMને પત્ર લખી કર્યો આક્ષેપ
- જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહોને કેદ કરી રાખવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ
- સિંહોને ગેરકાયદેસર રીતે કેદ કરનારા વન વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ
ગીર સોમનાથઃ વર્ષ 2020ની સિંહ વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 થઈ ગઈ છે. 50 ટકાથી વધુ સિંહો જાહેર કરેલા સુરક્ષિત વિસ્તારોની બહાર બૃહદ ગીરમાં રહે છે. આ રેવન્યૂ વિસ્તારોમાં જેતપુર જેવા સ્થાન પણ સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહની વસ્તી ગીર અભ્યારણ્યમાંથી વધુને વધુ આગળ વધી રહી છે. સેંકડો સિંહો અભ્યારણ્ય બહારના અનામત-કોસ્ટલ જંગલો અને રેવન્યૂ વિસ્તારમાં મનુષ્યની વચ્ચે શાંતિપૂર્ણ રીતે જીવી રહ્યા છે.
ખાનગી સંસ્થાના પ્રાણી સંગ્રાહલયને સિંહ આપવા માટે વન્ય કર્મચારીઓ નિર્દોષ સિંહની આઝાદીનો ભોગ લઈ રહ્યા છે
સિંહોની લાંબા ગાળાની સુરક્ષા માટે વધુ જમીન સુરક્ષિત કરી કડક દિશાનિર્દેશ અમલમાં લાવવાની જરૂર છે. આવા સમયે પકડવામાં આવે ત્યારે સિંહોનું જંગલમાં પુનર્વસન થવું જોઇએ, પરંતુ તેના બદલામાં સિંહોને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં કેદ કરવામાં આવે છે, જે ગંભીર ગુનો છે. સિંહપ્રેમીઓની ચિંતા અને અંદાજ મુજબ ગુજરાત વન વિભાગે કોઈ ખાનગી સંસ્થાના પ્રાણી સંગ્રહાલયને સિંહો આપવા માટેથી જંગલમાં મુક્ત રીતે વિહરતા નિર્દોષ સિંહ દીપડાઓને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 વિરૂદ્ધ જઈને પકડવાનું કાર્ય ચાલુ કર્યું હોવાનો ચોકાવનારો આક્ષેપ કર્યો હતો.
તાજેતરમાં ગીર જંગલ અભ્યારણ્યના 8 સિંહને જેતપુર તાલુકામાંથી કેદ કરવામાં આવ્યા છે. તે તમામને મુક્ત કરવા અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઈ વિરુદ્ધ સિંહોને ગેરકાયદેસર રીતે કેદ કરનારા વન વિભાગના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગે સિંહ પ્રેમી વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટે વડાપ્રધાન સહિત મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત સાથે માગણી કરી છે. વધુમાં ગીર જંગલના ઘરેણા સમાન એશિયાઈ સિંહો અને દિપડાઓ સાથે થઈ રહેલા અત્યાચાર તાત્કાલિક અસરથી બંધ કરાવવા પણ માગણી કરી છે.
વનવિભાગ પોતાની મનમાનીથી ઓર્ડર કરીને સિંહ-દીપડાઓને પકડશે તો અમે હાઈકોર્ટ જઈશુંઃ વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ
રાજયના વાઈલ્ડ લાઇફના પ્રિસીસીએફએ સિંહ-દીપડાને પકડવાના જે ઓર્ડર કરી રહ્યા છે. તે તદ્દન ગેરકાયદેસર છે. આ પ્રકારના ઓર્ડર કરાયા હોય તો તે રદ કરવા જોઇએ અને જો ભવિષ્યમાં આ રીતે નિર્દોષ સિંહ-દીપડાઓને પકડવામાં આવશે તો અમારે હાઈકોર્ટનો આશરો લેવો પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ જો સિંહ-દીપડાએ માનવ મૃત્યુ નીપજાવેલા હોય તેવા કિસ્સામાં પકડવાની મંજૂરી આપી શકાય છે. ઉપરી અધિકારીઓના લેખિત ઓર્ડર વગર સિંહ-દીપડાઓને ખોટી રીતે પકડવામાં ન આવે તેવી માગ છે તેમ છતા જો ભવિષ્યમાં વન વિભાગ ખોટી રીતે સિંહ-દીપડાઓને પકડશે તો અમે હાઈકોર્ટ જઈશું.