- ડ્રેજિંગના અભાવે બંદરમાં ફિશિંગ બોટોને ભારે નુકસાન
- ફિશિંગ બોટોને નુકસાનને પગલે માછીમારો ચિંતિત
- છેલ્લા ઘણાં સમયથી બંદરમાં ફિશિંગ બોટોને નુકસાનની અનેક ઘટના
વેરાવળ: વેરાવળ બંદરમાં લાંબા સમયથી ડ્રેજિંગ ન થવાના કારણે ફિશિંગ બોટ લાંગરવા કે રીપેરીંગ માટે કાંઠે લઇ આવવા સમયે ખૂંપી જવાના નાના મોટા અકસ્માતો બની રહ્યા હોવાથી માછીમારોને ભારે નુકસાન થઇ રહ્યુ છે. ત્યારે, ડ્રેજિંગ ન થવાના કારણે બંદરના દરીયા કાંઠે વ્યાપક પ્રમાણમાં ભરાયેલા કાપના લીઘે છેલ્લા ચાર દિવસમાં ત્રણ બોટો ખૂંપી જતા ડૂબી ગયાની ઘટના બની છે. જેના કારણે પહેલાથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા માછીમારો ઉપર પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો: ગુજરાતના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે કેવી છે જોગવાઈઓ?
ડ્રેજિંગના અભાવને કારણે ફિશિંગ બોટોને નુકસાન
મત્સ્યોદ્યોગનું હબ ગણાતું વેરાવળ બંદર છેલ્લા ઘણા વર્ષોથી અનેક આધુનિક સુવિઘા માટે ઝંખી રહ્યુ છે. જેના કારણે માછીમારો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે બંદરમાં છેલ્લા ઘણા દિવસથી અનેક બોટોને કૃત્રીમ રીતે નુકસાન થઇ રહ્યું છે. જે અંગે ભીડીયા ખારવા માછીમાર બોટ એસો.ના પ્રમુખ રમેશ ડાલકીએ જણાવેલ કે, 7 વર્ષથી ડ્રેજિંગ ન થયુ હોવાના કારણે વેરાવળ બંદરના દરીયાકાંઠામાં ભારે કાંપ ભરાયો છે. જેના કારણે લાંગરવા સમયે તથા રીપેરીંગ કરવા સમયે કાંઠે લઇ અવાતી ફિશિંગ બોટોને ભારે નુકસાન થઇ રહ્યુ છે. છેલ્લા થોડા દિવસો દરમિયાન ફિશિંગ બોટોને નુકસાન થયાની અનેક ઘટનાઓ બની ચુકી છે. જેમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન બંદરના ખાડીના કાંઠામાં ત્રણ બોટો ખૂંપીને ડુબી ગયાની ઘટના બની છે. જેના કારણે માછીમારોને લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
સરકારમાં વારંવાર રજુઆત
વધુમાં રમેશભાઇ ડાલકીએ જણાવેલ કે, વેરાવળ બંદરમાં ઘણા વર્ષોથી ડ્રેજિંગ ન થયુ હોય જે સત્વરે કરાવવા અંગે રાજય સરકારને અનેકવાર લેખિક-મૌખીક રજુઆતો કરેલ હોવા છતાં તે અંગે કોઇ કાર્યવાહી ન કરવામાં આવી હોવાથી ફિશિંગ બોટ ખૂંપી જવાના અકસ્માતો વારંવાર બની રહ્યા છે. જેના કારણે સરકાર અને તંત્ર સામે માછીમારોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે, બંદરમાં ડ્રેજિંગ કરાવવા અંગે રાજય સરકારે ઘ્યાન આપી કામગીરી કરાવી જોઇએ તેવી માછીમારો માંગણી કરી રહ્યા છે.