ગીર સોમનાથ: સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે ગિરસોમનાથ જિલ્લામાં એનડીઆરએફની 25 સભ્યોની બનેલી એક ટીમ પહોંચી ગઈ છે. સંભવિત વાવાઝોડા અને ત્યારબાદ અતિભારે વરસાદની પરિસ્થિતિમાં એનડીઆરએફના વિશેષ તાલીમ પામેલા જવાનો દ્વારા લોકોને રેસ્ક્યુ કરવાથી લઈને કોઈપણ પ્રકારની આકસ્મિક સ્થિતિમાં સૌથી ઓછું જાન માલનું નુકસાન થાય તેની તૈયારી કરી છે.
એનડીઆરએફની ટીમ ખડેપગે: લોકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટેની સાધન સામગ્રી સાથે આજે ગિર સોમનાથ જિલ્લા વડા મથકે પહોંચી ગયા છે. પહોંચતાની સાથે જ ટીમના તમામ સદસ્યો સંભવિત વાવાઝોડા અને અસરગ્રસ્ત વિસ્તારોના નિરીક્ષણ માટે પણ નીકળી ગયા છે. આગામી પાંચ દિવસ સુધી 25 જવાનોની બનેલી ટીમ ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોના રેસક્યુની સાથે સંભવિત આકસ્મિક પરિસ્થિતિમાંથી સૌથી ઓછું જાન અને માલનું નુકસાન થાય તે માટે કામ કરતી જોવા મળશે.
'અમારી પાસે બોટ લાઈફ જેકેટ તેમજ રેસક્યુ કરવા માટેના આધતન સાધનો છે. વાવાઝોડાની સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે લોકોને બચાવવા અને માર્ગ પરથી પડેલા વૃક્ષોને દૂર કરવા માટે વિશેષ તાલીમ પામેલા જવાનો ચોક્કસ કામગીરી કરશે. વાવાઝોડાની સ્થિતિમાં સંદેશા વ્યવહાર ખૂબ જ પ્રભાવિત થતો હોય છે ત્યારે qda સિસ્ટમ સાથે સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી કરવા માટેના પૂરતા સાધન સંસાધનો સાથે તેઓ જિલ્લા મથકે પહોંચી ગયા છે. અત્યારથી જ તેમના સદસ્યો તેમને સોંપવામાં આવેલી ડ્યુટીમાં લાગેલા જોવા મળે છે.' -વેદ પ્રકાશ, એનડીઆરએફના ઇન્સ્પેક્ટર
તંત્ર એલર્ટ મોડ પર: ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે વઢવાણીયાએ વાવાઝોડાને લઈને માધ્યમોને આપેલી વિગતો અનુસાર વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની સંભવિત અસરોને લઈને પંચાયત, રેવન્યુ, પોલીસ, માર્ગ અને મકાન, વીજ કંપની ખેતીવાડી સહિત મોટાભાગના તમામ શાખાના અધિકારી અને કર્મચારીઓને તેમની ફરજનું સ્થળ નક્કી કરીને તેમને રાઉન્ડ ક્લોક ફરજ બજાવવાના આદેશો કરી દેવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે માર્ગ મકાન વીજળી અને મહેસુલ વિભાગના કર્મચારીઓને ખાસ વિશેષ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે.
તંત્ર કામગીરીમાં લાગ્યું: વાવાઝોડા પૂર્વે અને ત્યારબાદની તમામ પરિસ્થિતિમાં યુદ્ધના ધોરણે કામ કરવા માટેના આદેશો કરી દેવામાં આવ્યા છે. જે કર્મચારી અને અધિકારીઓને તેમની ફરજો સોંપવામાં આવી છે તેઓ તેમના કાર્ય સ્થળ પર હાજર થઈ ચૂક્યા છે. ગઈકાલે રાત્રે જ સુત્રાપાડા અને વેરાવળ નજીકથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 25 કરતાં વધુ પરિવારોના 100 કરતા વધુ મહિલા પુરુષ અને બાળકોને જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી અધિકારીઓની હાજરીમાં સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.