- વૃદ્ધાશ્રમમાં ઘરેથી સંતાનોએ તરછોડી દિધેલા 50થી 60 જેટલા વૃદ્ધા છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી વસવાટ કરે છે
- વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં ઘર કરતા વધુ સુખી છે
- તમામ વૃદ્ધોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે
ગીર-સોમનાથઃ કોરોનાકાળની બીજી લહેરે લોકોને હચમચાવી નાખ્યા છે. ત્યારે ઉના નજીક ગૃપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં ઘરેથી સંતાનોએ તરછોડી દિધેલા 50થી 60 જેટલા વૃદ્ધા છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી વસવાટ કરે છે અને આ વૃદ્ધાશ્રમને પોતાનું ઘર માની લીધુ છે. પરંતુ આ વૃદ્ધો પોતાનું ઘર તો ભુલી ગયા, પરંતુ તરછોડી દિધેલા સંતાનોને ભુલ્યા નથી. બીજી તરફ વૃદ્ધાશ્રમનું સંચાલન કરતા મહંત વિવેકાનંદબાપુ પણ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની સારવારમાં કોઇ ખામી ન રહે તે માટે સતત કાર્યશીલ રહે છે.
આ પણ વાંચોઃ કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની પરિસ્થિતિ અંગેનો ETV BHARATનો ખાસ અહેવાલ
અમારા સંતાનો શું કરતા હશે તેવો વસવસો વૃદ્ધોના ચહેરા પર જોવા મળી રહ્યો છે
આ કોરોનાકાળમાં વૃદ્ધોને પોતાનું ઘર યાદ નથી આવતું, પરંતુ પોતાના સંતાનો યાદ આવે છે અને કહે છે કે, ભલે અમને તરછોડી દીધા પણ અમારા સંતાનો છે, તે કેવી હાલતમાં છે તેની સતત ચિંતા કરી રહ્યા છે. અમે તો અહીયા ઘર કરતા વધુ સુખી છીએ અને છેલ્લા ઘણા સમયથી હોમ ક્વોરન્ટાઇન છે. અમારા સંતાનો શું કરતા હશે તેવો વસવસો વૃદ્ધોના ચહેરા પર જોવા મળી રહ્યો છે. દુઃખ પણ વ્યક્ત કરતા હોય છે કે, સંતાનોએ ફોન કરીને પુછ્યુ નથી બા-બાપુજી કેમ છો તમે. ત્યારે આ વૃદ્ધો પોતાની વ્યથા ઠાલવતા હૈયુ પણ હચમચી જાય.
ઘર કરતા અહી બહુ સારૂ છે,દિકરાનો ફોન આવે છેઃ ચંન્દ્રીકાબેન
મૂળ ભાવનગર અને છેલ્લા 30 વર્ષથી કોડીનાર રહેતા ચંન્દ્રીકાબેેને જણાવ્યું હતું કે, એક દિકરો અને 3 દિકરી છે. 10 મહીનાથી અહી રહું છું. વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ વહુને ગમતી નથી, તેથી મને રાખવી નથી. મારાથી દિકરાનું ઘર ભંગાય નહીં, તેથી હું આવી છું. દિકરો મુકી ગયો હતો. મને ઘર કરતા અહી બહું ગમે છે. દિકરાનો ફોન આવે છે.
13 વર્ષમાં એક જ વાર દિકરો આવ્યો હતોઃ નવીનભાઇ
મુંબઇ નજીક આવેલા કલ્યાણ ગામના રહેવાસી વૃદ્ધે જણાવ્યું હતું કે, હું છેલ્લા 13 વર્ષથી અહી છું, મારે એક જ દિકરો છે. હું જાતે અહી આવ્યો છું, પરંતુ 13 વર્ષમાં એકજ વાર આવ્યો હતો. તે પણ દિકરીના સગપણ નક્કી કરવા માટે આવ્યો હતો. આજ સુધી ફોન નથી આવ્યો.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે વૃદ્ધાશ્રમમાં ખાસ સુવિધા ઉભી કરાઈ, બીજી લહેરમાં એક પણ કેસ નહી
કોરોનાનાકાળમાં છેલ્લા 1 વર્ષથી વૃદ્ધોની સારસંભાળ રાખવામાં આવે છેઃ મહંત વિવેકાનંદબાપુ
ગૃપ્ત પ્રયાગના મહંત વિવેકાનંદ બાપુએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોના કાળ વચ્ચે તમામ વૃદ્ધો ક્વોરન્ટાઇન છે, ત્યારે અહીથી બહાર નીકળવા દેતા નથી અને નિયમ અનુસાર સારસંભાળ રાખવામાં આવે છે. તમામ વૃદ્ધોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.