- RSSના સ્વયંસેવક પર અસામાજીક તત્વો દ્વારા હુમલો
- અયોધ્યામાં નિર્માણાધિન રામ મંદિર નિધિ એકત્ર કરવા કાર્યકરો ગયા હતા
- એક દિવસ પૂર્વે હિન્દૂ સમાજના કાર્યકર પર હુમલો થયો હતો
ગીર સોમનાથ: કોડીનારના છાછર ગામે RSSના કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું. પથ્થરથી હુમલો કરતા તમામને નાની-મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા હતા. RSSના કાર્યકર્તા જીગ્નેશ પરમારના કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા. ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય, ઉત્તરક્રિયામાં ભાગ લઈને પરિવારજનોને સધિયારો આપતા હતા. ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાઈ રહ્યા હતા. આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા હતા.
તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી
છાછર ગામે રહેતી પ્રજાપતિ મહિલા દૂધીબેન ટાંકનું કહેવું છે કે, તેમના માતાનું અવસાન થતા ઘરે ઉત્તરક્રિયાની વિધિ હતી. તેમાં સહભાગી થવા સંઘ કાર્યકરો આવ્યા હતા. તેમનો દીકરો બે દિવસ પહેલા દવા લેવા ગયો ત્યારે તેના પર અસામાજિક તત્વો એ હુમલો કર્યો હતો. જે મામલે સમાધાન કરવાનું હતું, પરંતુ અચાનક ફરી ટોળું આવ્યું અને અમને બચાવવા આવેલા સંઘના કાર્યકરો પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાની જાણ કોડીનાર થતા ગીર સોમનાથ કરણી સેના અને મોટી સંખ્યાંમાં યુવાનો કોડીનારની હોસ્પિટલે રાત્રે એકઠા થઈ જતા કોડીનારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. આથી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
પોલીસે ટોળા વિરુદ્ધ 307ની કલમ લગાવી તપાસ હાથ ધરી
DYSP જી.બી.બાંભણીયાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ પોલીસે રાત્રે મોટી સંખ્યામાં પોલીસનાં ઘાડે ધાડા ઉતારી મામલો શાંત કર્યો. બીજી તરફ પોલીસ દ્વારા છાછરમાં ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી દેવાયો છે. ગીર પોલીસે છાછર ગામે ફૂટ માર્ચ પણ યોજી હતી. પોલીસે 12 જેટલા શખ્સો અને અન્ય મળી કુલ 20નાં ટોળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિતની અન્ય કલમો ઉમેરીને તપાસ હાથ ધરી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે હજુ 15થી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.