ગીર સોમનાથ: વેરાવળ કોવિડ હોસ્પિટલમાં દાખલ 20 વર્ષીય મહિલા કોરોના દર્દીના મોત બાદ પરિવારજનો વિફર્યા હતા. કોરોના દર્દીના પરિવારના લોકોએ ફરજ પર સેવા આપવા આવનારા ખાનગી તબીબ પર હુમલો કરી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. પોલીસે આ બનાવમાં બે આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટનાથી ડૉક્ટરોમાં આક્રોશ છવાયો હતો અને કોવિડ સેવા સ્થગિત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વેરાવળ સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત એક 20 વર્ષીય યુવતીની સારવાર ચાલી રહી હતી. જેમાં આ યુવતીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની હતી. જે પહેલા જ યુવતીનું મોત થતા તેના સગામાં રોષ વ્યાપ્યો હતો. રોષે ભરાયેલા 8થી 10 લોકોએ કલેક્ટરના આદેશથી સેવા આપનારા ખાનગી ડૉક્ટર આકાશ શાહને માર માર્યો હતો. આ સાથે સાથે આ ઈસમોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી.
હોસ્પિટલ કરોડોના ખર્ચથી બનાવામાં આવી હોવા છતા તેમા CCTV ન હોવાને કારણે આરોપીઓએ ધમાલ મચાવી હતી. આ બનાવની જાણ થતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મોડી રાત્રે તમામ ઈન્ડિયન મેડીકલ એશોશિએશન(AIIMS)ના ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો પણ પહોંચી ગયા હતા. તેમને આરોપીઓ ન પકડાય ત્યાં સુધી કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાનો ઈન્કાર કર્યો હતો.
પોલીસે કડક હાથે કામગીરી કરીને ફરિયાદ નોંધી આ બનાવમાં બે આરોપીઓને 24 કલાકમાં ઝડપી લીધા છે. અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ, સરકારી કર્મચારી પર હુમલો, સરકારી મિલકતને નુકસાન અને ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
ડૉક્ટર પર થયેલા હુમલાની અન્ય ઘટનાઓ
21 જૂન - જીવના જોખમે કામ કરતા ડૉક્ટર્સ જ જીવનું જોખમ, ડીસામાં ડૉકટર પર હુમલો
બનાસકાંઠાઃ ડીસામાં અસામાજિક તત્ત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પર જીવલેણ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજ રોજ ડીસા શહેરના ગાયત્રી મંદિર પાસે અસામાજિક તત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ડૉક્ટરને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
16 મે - કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે ઝપાઝપી કરી કપડાં ફાડતાં પોલીસ-ટીઆરબી જવાન
સુરત: કોરોના વાઇરસની મહામારી વચ્ચે વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહેલ કાર્ડિયોલોજીસ્ટ તબીબ જોડે પોલીસ કર્મચારી સહિત ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂંક કરી ઝપાઝપી કરવામાં આવી હોવાના આક્ષેપ થયાં છે. દર્દીની સારવાર માટે ગયેલા તબીબના વાહનને અટકાવી " કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યાં છો તેમ કહી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પહોચતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. તબીબ સાથે થયેલા દુર્વ્યવહારના પગલે કસૂરવારો સામે કતાર ગામ પોલીસ દ્વારા તબીબની ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
10 જૂન - હૈદરાબાદમાં કોરોના દર્દીના મોત બાદ ડૉક્ટર પર હુમલો, અન્ય તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન
હૈદરાબાદ: તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં આવેલી ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર પર હુમલો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે રાત્રે ગાંધી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત બાદ પરિવારે હંગામો મચાવ્યો હતો અને ખુરશી ફેંકી બે ડોકટરો પર હુમલો કર્યો હતો.