ગીર સોમનાથ : કાલભૈરવ કળિયુગનાં જાગૃત દેવતા છે. શિવ પુરાણમાં ભૈરવને મહાદેવ શંકરનું સ્વરૂપ જણાવવામાં આવ્યા છે. તેમની આરાધનામાં કોઈ કઠોર નિયમો નથી. શિવજીની જેમ જ તેઓ ભક્ત પર બહુ જલદી રીઝી જાય છે. આવા પરમ કૃપાળુ તથા શીઘ્ર ફળ આપનારા કાલભૈરવની શરણમાં જનાર જીવનો નિઃશંક ઉદ્ધાર થાય છે. ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ શહેરમાં સમસ્ત ભોઇ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળમુર્તિ બનાવે છે. 1 મહિના જેટલા સમયમાં 100થી વધુ યુવાનો આ મુર્તિ બનાવે છે.
વ્યાપારમાં લાભ આપવા તેમજ નિઃસંતાનને સંતાન આપવાની શ્રદ્ધા વધવાની સાથે આ મુર્તિ લોકોના શ્રધ્ધાનુ કેન્દ્ર બની છે. એટલે સુધી કે ગીરસોમનાથ અને જૂનાગઢના સાંસદ સભ્યનું પણ કહેવું છે કે પોતાના પર આ ભૈરવ દાદાનો હાથ છે. જેથી તેઓ બીજી વખત લોકોના પ્રતિનિધિ બની શક્યા. દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં મુર્તિ સામે માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે. ખુબ જ પ્રાચીન કાળથી આ મુર્તિ અહી જ બનાવવામાં આવે છે. અહી, માનતા કરનારની માનતા ભૈરવનાથ દાદા અચુક પુરી કરે છે.