ગીર સોમનાથઃ જિલ્લાની બનેલી એક ઘટનામાં ફેસબુક પર બનેલો મીત્ર પંજાબથી કાઠિયાવાડનો મહેમાન બન્યો હતો. બાદમાં મોકો મળતાં ગીર સોમનાથના યુવકના ઘરમાંથી 14 લાખ રૂપિયાનો હાથફેરો કરી નાસી છૂટ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે પાલનપુર રાજધાની ટ્રેનમાંથી આ આરોપીને યુવતીના ડ્રેસમાં પોલીસે ઝડપી લીધો હતો.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકો માટે લાલબતી સમાન કિસ્સો
- પંજાબનો યુવક કામનું બહાનું કાઢી ગીર સોમનાથ આવ્યો હતો
- સુત્રાપાડાના યુવકને પંજાબના યુવક સાથે થઇ હતી સોશિયલ મીડિયામાં મિત્રતા
- સ્થાનિક યુવક વાડીએ ગયો એટલામાં જ લાખો રૂપિયાનો હાથફેરો થયો
- ચોરી કરનારો યુવક પાલનપુર રાજધાની ટ્રેનમાંથી ઝડપાયો
- પંજાબી છોકરીનો ડ્રેસ પહેરી ટ્રેનમાં કરી રહ્યો હતો પ્રવાસ
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે છેલ્લા એક વર્ષથી રમેશ કછોટને પંજાબ ના ગૂરૂદાસપુરના નીકુલ અરોરા સાથે ફેસબુકથી મીત્રતા બંધાઈ હતી. નીકુલે કહ્યું હતું કે, અહી કામ ધંધો નથી તમારા વીસ્તારમાં આવું છું, સૌરાષ્ટ્રની મહેમાન નવાજી માણવી છે, તેમ જણાવી પોતે વેરાવળ રેલવે સ્ટેશને પહોચી રમેશને ફોન કરતાં રમેશ તે શખ્સને પોતાના ઘરે લાવ્યો હતો.
રાત્રે સુતા પછી વહેલી સવારે રમેશ તેમજ તેમના પરીવાર જનો ઊઠ્યા પરંતુ નીકુલે કહ્યું કે, મારે આરામ કરવો છે. જ્યારે રમેશના ઘરના સભ્યો ખેતી કામ કરવા વાડીમાં જતા રહ્યા હતાં. ત્યારબાદ નીકુલે તક જોઇને લાકડાનો કબાટ તોડી તેમાંથી 11 લાખ રોકડા લેપટોપ, મોબાઈલ, સોનાના દાગીના સહિત 14 લાખ જેટલી મત્તા અને મુદ્દામાલ લઈ નાસી છૂટ્યો હતો. બનાવની જાણ તાકીદે સુત્રાપાડા પોલીસને કરતાં રાજ્યભરની પોલીસને આ મેસેજ નીકુલના ફોટા સાથે વાઇરલ કરી દેવાયો હતો.
ત્યારે પાલનપુર રેલવે પોલીસ ને રાજધાની એક્સપ્રેસમાં યુવક નીકુલ યુવતીના વેશમાં પંજાબી ડ્રેસમાં નજરે ચડતાં તેની શંકાના આધારે તપાસ કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી. હાલ સુત્રાપાડા પોલીસે આરોપી નીકુલનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.