ગીર સોમનાથ : વર્ષ 2023 સમાપ્ત થવાના આડે જૂજ દિવસો બાકી છે. હાલ યુવાવર્ગમાં વારે તહેવારે પાર્ટી કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બહાર રાજ્યમાંથી દારૂની ખેપ મારતા બુટલેગરો પણ સીઝનમાં કમાવાની લાલચે દારૂની ધોમ હેરફેર કરતા હોય છે. ત્યારે આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સોમનાથ પોલીસ ચૂસ્ત બની રહી છે.
સોમનાથ પોલીસ બની સતર્ક : આજથી ગીર સોમનાથ જિલ્લાને અન્ય જિલ્લા સહિત સંઘ પ્રદેશ દીવ સાથે જોડતી સરહદો પર કુલ 14 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પરથી કોઈપણ વ્યક્તિ નશાકારક પદાર્થોનું સેવન કરીને પસાર થશે કે નશાકારક વસ્તુ સાથે પ્રવાસ કરતા હશે તો તમામ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ માટે સોમનાથ પોલીસે આજે વિશેષ ટીમ બનાવીને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કિસ્સાને અટકાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.
14 ચેકપોસ્ટ સક્રિય : આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસે 14 ટીમ સાથે વિશેષ વ્યવસ્થા શરૂ કરી છે. ગીર સોમનાથને અન્ય જિલ્લાઓ સાથે જોડતી સરહદ અને સંઘ પ્રદેશ દીવ સાથે જોડાયેલી માંડવી અને તડ ચેકપોસ્ટ સહિત જિલ્લામાં અલગ અલગ જગ્યા પર કુલ 14 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આગામી થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિ ડ્રિન્ક અને ડ્રાઇવ તેમજ નશાકારક પદાર્થો સાથે લઈને પ્રવાસ ન કરે તે માટે વિશેષ તપાસ વ્યવસ્થા શરૂ કરી છે. જેનો આજથી અમલ પણ કરવામાં આવ્યો છે.
શરાબ પાર્ટી ભારે પડશે : ગીર સોમનાથ જિલ્લાને સંઘ પ્રદેશ દીવ સાથે જોડતી ઉના અને કોડીનારની માંડવી અને તડ ચેકપોસ્ટ પર વિશેષ પોલીસ જવાનો અને બ્રેઇથ એનેલાઇઝર સાથે સુરક્ષાકર્મીઓને આજથી ગોઠવી દેવામાં આવ્યા છે. જિલ્લાની તમામ 14 ચેકપોસ્ટ પર રાઉન્ડ ક્લોક પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા જોવા મળશે. સંઘપ્રદેશ દીવમાં થર્ટી ફર્સ્ટના દિવસે શરાબ પાર્ટી કરીને કોઈપણ વ્યક્તિ જિલ્લાની હદમાં પ્રવેશ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : સંઘપ્રદેશ દીવમાંથી આવતા શંકાસ્પદ વાહનને તપાસ કરીને તેમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થોનું પરિવહન થઈ રહ્યું નથી તેની પૂર્તિ ચકાસણી પણ કરવામાં આવશે. સોમનાથ પોલીસના જવાનો આગામી ત્રણ-ચાર દિવસ સુધી સતત કાર્યરત જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવી અને તડ ચેકપોસ્ટ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. પરંતુ વારે તહેવારે અને કોઈ વીઆઈપી ચહલપહલને ધ્યાને રાખીને આ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે.
મોર બોલશે ! પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી દિવસો દરમિયાન પોલીસના જવાનો ડ્રિંક અને ડ્રાઇવના કિસ્સા અટકે તે માટે સતત કામ કરતા જોવા મળશે. વધુમાં પ્રત્યેક વ્યક્તિની જવાબદારી પણ છે કે કાયદાનું પાલન કરીને કાયદાની મર્યાદામાં રહીને પોલીસ પ્રશાસનને કામગીરી કરવામાં સરળતા રહે તે જોવાની સૌ કોઈની જવાબદારી છે. વધુમાં લોકો દીવમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને નશાકારક પદાર્થો સાથે સોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે તો પોલીસ તેમનું કાયદાના શસ્ત્ર સાથે વેલકમ કરવા પણ તૈયાર ઊભેલી જોવા મળશે.