- ગૌવંશ તસ્કરી-હત્યા સાથે સંકળાયેલા ગુનેગારો વિરૂદ્ધ પોલીસે કરી લાલ આંખ
- પોલીસ દ્વારા માત્ર 19 અને 21 વર્ષની ઉંમર ધરાવતા 2 આરોપીઓને તડીપાર કરાયા
- ગીર સોમનાથ સહિત અડીને જ આવેલા અન્ય 4 જિલ્લાઓમાંથી પણ કરાયા તડીપાર
ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં ઘરફોડ ચોરીઓ તથા ગૌવંશની કતલ કરવાના ઇરાદે તસ્કરી કરવાની પ્રવૃતિ સાથે સંકળાયેલા આદિલ અનવર શેખ(ઉં.વ.19) અને રૂત્વિક ઉર્ફે રીતીક ગડુ મકવાણા(ઉં.વ.21) સામે પાંચેક ગુનાઓ પોલીસ ચોપડે નોંઘાયેલા છે. જેના આધારે બન્ને વિરૂદ્ધ હદપારીની દરખાસ્તો તૈયાર કરીને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા કલેક્ટરને મોકલાવવામાં આવી હતી. દરખાસ્તમાં બન્ને ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓની ગંભીરતાને ધ્યાને લઇને ગીર સોમનાથ જિલ્લા સહિત આસપાસના જુનાગઢ, પોરબંદર તથા અમરેલી જિલ્લાઓમાંથી 6 મહિના માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગૌવંશ હત્યા અને તસ્કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ
ગૌવંશ તસ્કરી-હત્યામાં સંકળાયેલા ગુનેગારોને ગુજસીટોક હેઠળ સજા આપવા માગ
એક તરફ શહેરમાં ગૌવંશ તસ્કરી-હત્યા કરતા ગુનેગારોને ગુજસીટોક કાયદા હેઠળ સજા આપવાની માગ સાથે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ જતીનબાપુ 5 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. બીજી તરફ વેરાવળ શહેર-પંથકમાં બેફામપણે થઈ રહેલી ગૌવંશ કતલ અને તસ્કરીની સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરતી હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃતિ અટકતી નથી. તેવા સમયે કાયદામાં રહેલું તડીપાર જેવું શસ્ત્ર ઉગામીને પોલીસે ગૌવંશ તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સોને કડક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવાનો સ્પષ્ટ સંદેશો આપ્યો હોવાની ચર્ચા જાગી છે.