13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્યમાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા ગાંધીનગર શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બિરસામુંડા ભવન ખાતેથી રેલી સેક્ટર 11 રામકથા મેદાન ખાતે પહોંચી હતી. જ્યાં આ રેલી સભાના રૂપમાં પરિવર્તિત થઇ હતી. આ રેલીમાં આદિવાસી સમાજ દ્વારા તેમના હક અને અધિકારની વાત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના અધિકાર માટે યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ રેલીમાં આદિવાસી સમાજના અધિકાર સમિતિના કન્વીનર ડૉ. રાજન ભગોરાએ હાજરી આપીને સમાજના લોકોને સંબોધન કર્યું હતું. આદિવાસી સમાજના રીત રિવાજ જળવાઇ રહે અને સમાજને પોતાના અધિકારો પ્રાપ્ત થાય તેને લઇને આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમિતિ દ્વારા આર્થિક અને સામાજિક વૃદ્ધિ થાય તે માટે કાર્ય અને જળ, જમીન અને જંગલની સંપતિ મૂળ આદિવાસી સમાજની છે, જે તે સમાજને પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.