ગાંધીનગર: ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં રહેલી પ્રવાસન ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ અને નીતિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે આગામી સમયમાં રાજ્ય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે સજ્જ થઈ રહ્યું છે, અને વિવિધ ક્ષેત્રો માટે ગુજરાતમાં ઉપલબ્ધ તકોને પ્રદર્શિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારસુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય રોડ શૉ આયોજિત કરવામાં આવ્યા છે, તેમજ પ્રતિનિધિમંડળોની મુલાકાતો પણ યોજવામાં આવી છે. આ રોડ શૉ અને પ્રતિનિધિમંડળની મુલાકાતો દ્વારા રાજ્ય સરકારે ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા માટે વૈશ્વિક અને રાષ્ટ્રીય કંપનીઓને આમંત્રણ આપ્યું છે.
વિશ્વમાં વધ્યું ગુજરાતનું કદ: ગુજરાત તેના વૈવિધ્યસભર ભૌગોલિક વિસ્તારો સાથે યુનેસ્કો (UNESCO) હેરિટેજ સાઇટ્સ, પતંગોત્સવ, ગરબા અને રણોત્સવ જેવા વાયબ્રન્ટ ઉત્સવો, વન્યજીવ અભયારણ્ય અને પ્રાચીન સમુદ્ર તટ જેવા વિવિધ પ્રવાસન આકર્ષણોનો ખજાનો ધરાવે છે. આ ઉપરાંત, ગુજરાતમાં સ્થાપત્યના ઘણા અદ્ભુત ઉદાહરણો જોઈ શકાય છે, જેમાં કેવડિયા ખાતેની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને એશિયાઇ સિંહો માટેનું એકમાત્ર નિવાસસ્થાન ગિરના જંગલનો સમાવેશ થાય છે. યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, અને આ બાબત ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કરે છે.
વિદેશી સહેલાણીની પ્રથમ પસંદ: વિદેશી પ્રવાસીઓની સંખ્યાની બાબતમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી પ્રવાસીઓને આકર્ષે છે. પ્રવાસીઓ માટે સુવિધાઓને વધારવા માટે ગુજરાત સરકારે ટેક્નોલોજીને અપનાવી છે, અને વિવિધ પહેલોને અમલી બનાવી છે, જેમકે પ્રવાસીઓની સંખ્યાનું ડિજિટાઇઝેશન કરવા માટે આતિથ્યમ પોર્ટલ, ટુરિસ્ટ ઇન્ફર્મેશન બ્યુરો (TIB) અને ભારતભરમાં ટુરિસ્ટ રિસેપ્શન કાઉન્ટર્સ (TRC) કાર્યરત છે.
પ્રગતિશીલ ગુજરાત: પ્રવાસન સંબંધિત અન્ય ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ નીતિઓ ઘડનાર અને અપનાવનાર પણ ગુજરાત એકમાત્ર રાજ્ય છે. આ નીતિઓમાં હેરિટેજ ટૂરિઝમ પોલિસી 2020-2025, સિનેમેટિક ટૂરિઝમ પોલિસી 2022-2027, ટૂરિઝમ પોલિસી 2021-2025 અને ગુજરાત હોમસ્ટે પોલિસી 2020નો સમાવેશ થાય છે. ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવાની રાજ્યની પ્રતિબદ્ધતાની તાજેતરમાં જ કચ્છના ધોરડો ગામને UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડ આપીને કદર કરવામાં આવી છે. આ ઉપરાંત, થોડા દિવસો પહેલા જ ગુજરાતના ગરબાને યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ (ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ) ની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, તેમજ રાજ્ય 2024માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સની યજમાની કરવા માટે પણ સજ્જ છે.
350 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક: આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રોડ શો દરમિયાન, ગુજરાત સરકારે પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ ગુજરાતના પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રના વિઝન અંગે તેમજ રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ રોકાણની તકો અંગે કરવામાં આવી હતી. ઘણી મોટી કંપનીઓએ શિવરાજપુર બીચ, ગિફ્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ સહિતના ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર હોટલ અને રિસોર્ટ સ્થાપવા માટે ઊંડો રસ દર્શાવ્યો હતો. બેંગલુરુમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉ દરમિયાન અનેક નોંધપાત્ર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક સ્થાપવા માટે વન્ડરલા પાર્ક્સ અને રિસોર્ટ્સ સાથે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન પર હસ્તાક્ષર કરવાનો સમાવેશ થાય છે. સૂચિત રોકાણનો અંદાજ ₹350 કરોડ છે, જેનાથી 1,000 નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે.
ગુજરાતમાં રોકાણનું સુદ્રઢ વાતાવરણ: લેગો ગ્રુપ (ડેનમાર્ક), ક્રિએટિવ વિઝન મીડિયા પ્રોડક્શન કંપની (યુએસએ), પીપલ ઓફ કલ્ચર સ્ટુડિયો (યુએસએ), વાયાટ્રાવેલ કોર્પોરેશન (વિયેતનામ), અને રમાડા પ્લાઝા (ચંદીગઢ) જેવી ઘણી અન્ય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ પણ ગુજરાતના વાયબ્રન્ટ પ્રવાસન ક્ષેત્રમાં રોકાણની તકોને એક્સપ્લોર કરવાની ચર્ચામાં જોડાઇ હતી. ગુજરાતમાં પરંપરાઓ અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળે છે. આ ક્ષમતાને વધારવા માટે, ગુજરાત વિશ્વ માટે તેના દરવાજા ખોલી રહ્યું છે, જેથી કરીને ભારત અને વિદેશના રોકાણકારો અને પ્રવાસીઓ અહીં આવે અને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનવાની ગુજરાતની યાત્રામાં જોડાય. ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ, નવીનતા અને ટકાઉ આર્થિક વૃદ્ધિ માટે સક્ષમ વાતાવરણ બનાવવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે.