સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાની મદારી નગર માટે પાણીની રજૂઆતનું શિર છેદ ઉડાડતાં આચાર સંહિતાની આડ આપી અને પાણીના પ્રશ્નોનો નિકાલ ચુંટણી બાદ જ થશે તેવા પ્રમુખના નિવેદન બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. દહેગામ વોર્ડ નંબર સાતમા આવેલા મદારી નગરના સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેમને પાણી ભરવા માટે નજીકના અલગ અલગ સ્થળ પર આવેલા નાના નાના નળ અને છેક ગણેશપુરાથી આવતી લાઈન પર નિર્ભર રહેવું પડે છે.
બાજુમાં આવેલા ગણેશપુરા વિસ્તારમાં પોતાનો બોર છે અને ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો પણ બનાવવામાં આવ્યા છે. હાલ ત્યાં 250 જેટલા ફ્લેટ છે અને મદારી નગર 2000થી વધુ લોકોની વસ્તી ધરાવતો વિસ્તાર છે. પણ અહીંયા એક પણ બોર નથી કે નથી કોઈના નળમાં પાણી આવતું. બધાને સવારે પાણી ભરવા બહાર ચકલીઓ સુધી જવું પડે છે.
પાણી વગરના શૌચાલયનું શું કરવું ?
સ્થાનિક રહેવાસી કાજલબેને જણાવ્યું મોદીજીએ બેન દીકરીઓની ઈજ્જત માટે શૌચાલય તો બનાવ્યા પણ પાણી વગરના શૌચાલયનું શું કરશું ? જો ખરેખર ઈજ્જત આપવી જ હોય તો શૌચાલયમાં પાણી પણ આપો. આ કોઈ ગામડું નથી વોર્ડ નંબર સાતનો વિસ્તાર છે. સ્થાનિક આગેવાન અને ચાલુ કોર્પોરેટરના ભત્રીજા ભાટી ગોપાળનાથે જણાવ્યું કે, આ મદારી નગરમા ના તો પાણીની વ્યવસ્થા છે કે, ન સાફ સફાઈની.
બાજુના વિસ્તારમાં બોર છે ત્યાંથી પાણી આવે છે. સ્થાનિકોએ કોંગ્રેસને મત આપ્યો એટલે હવે ખુન્નસ ઉતારવા અમારી સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવે છે. અનેક વાર નગરપાલિકામાં રજૂઆતો છતાં કોઈ ગણકારતું નથી. પારાવાર ગંદકી અને બદતર હાલતમાં જીવી રહેલા મદારીનગરના લોકોનો હાથ કોઈ નથી પકડી રહ્યું સ્થાનિક નગરપાલિકાની બોડી ભાજપના હાથમાં છે અને ચીફ ઓફિસરને અનેક રજૂઆતો બાદ પણ કોઈ કામ નથી કરી રહ્યા કે નથી કરવા દેવામાં આવી રહ્યા.
પાણી માટે હાલ તો મદારીનગરના લોકો વલખાં મારી રહ્યા છે અને પીવાંના ચોખ્ખા પાણી માટે વેચાતી બોટલો લાવી રહ્યા છે. ૧૨ વર્ષની દીકરીથી માંડી અને 70 વર્ષ સુધીના ઘરડા દાદીમા પણ પાણી ભરતા તમને આ મદારીનગરમાં જોવા મળી શકે છે. એક તરફ સરકાર સૌનો સાથ અને સૌના વિકાસ ની વાતો કરી રહી છે ત્યારે દહેગામમાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટરોનું કોઈ સાંભળી નથી રહ્યા તો તેમને માટે આપનારી પ્રજાનું કોણ સંભાળે ? સ્થાનિક નગરપાલિકાના ચુંટાયેલા કોર્પોરેટર તો ઠીક પણ સરકારી મુલાજીમો પણ ભેદભાવ રાખી રહ્યા છે. તો આવામાં પ્રજાને સ્થાનિક નગરપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓનો સ્પષ્ટ સંદેશ માની શકાય કે જો ભાજપને મત નહિ આપો તો તમારું કામ નહિ થાય.