ગાંધીનગરઃ 10મી જાન્યુઆરીએ શરુ થનાર વાયબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. મહાત્મા મંદિર, દાંડી કુટીર અને ગિફ્ટ સીટી સહિત સમગ્ર ગાંધીનગરને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’થી ડેકોરેટ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સોળે કળાએ ખીલ્યુંઃ ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આ સમિટ યોજાશે જેમાં દેશ-વિદેશના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહેશે. ગાંધીનગર આ સૌ મહાનુભાવોને સત્કારવા સંપૂર્ણ સજ્જ બન્યું છે. ગાંધીનગરમાં રાત્રે આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
મુખ્ય પ્રધાને કરી સમીક્ષાઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંતિમ તબક્કાની તૈયારીઓની મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે સમીક્ષા કરી હતી. મુખ્ય પ્રધાન સ્વયં દરેક સ્થળે રુબરુ તપાસ માટે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને આ દરમિયાન ઉદ્દઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ, વિવિધ પેવેલિયન, હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્ય પ્રધાન સાથે નાણાં પ્રધાન કનુ દેસાઈ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, ઉદ્યોગ પ્રધાન બલવંત સિંહ રાજપૂત, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય અધિકારીઓનો કાફલોઃ મુખ્ય પ્રધાનની આ સમીક્ષા મુલાકાતમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય અગ્ર સલાહકાર ડો. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાની સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.