ગાંધીનગર: ગુજરાતીઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રમાં કરાયેલી અનેક વખતની રજૂઆત બાદ આખરે અમેરિકાએ અમદાવાદમાં અમેરિકાનું વાણિજ્ય દૂતાવાસ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારે હવે તમામ અમેરિકા જવા ઇચ્છનાર ગુજરાતીઓએ અમેરિકાના વિઝા લેવા માટે મુંબઈ ધક્કો ખાવો નહીં પડે. અમદાવાદ ઉપરાંત બેંગ્લોરમાં પણ અમેરિકાનું દૂતાવાસ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
વ્હાઈટ હાઉસમાંથી જાહેરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સત્તાવાર જાહેરાત કરી હતી કે અમેરિકા બેંગ્લુરુ અને અમદાવાદમાં નવા કોન્સ્યુલેટ ખોલશે કે અમેરિકાએ ગત વર્ષે 1,25,000 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. જ્યારે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓનો મોટો સમૂહ અમેરિકામાં અભ્યાસ કરવાના સપના સીવી રહ્યો છે ત્યારે અમેરિકા દ્વારા કરવામાં આવેલી આ સત્તાવાર જાહેરાતથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવી તકના નવા દ્વાર ખુલ્યા છે.
શું કહ્યું ભાજપ નેતા ઋત્વિજ પટેલે ?: અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી બેંગલુરુ અને અમદાવાદમાં વાણિજ્ય દૂતાવાસ કાર્યાલય શરૂ થવાની જાહેરાત બાદ ગુજરાત ભાજપના નેતા ઋત્વિજ પટેલે ETV ભારત સાથે ખાસ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્વભાવિક રીતે આ નિર્ણયનો અમે ખૂબ જ સ્વાગત કરીએ છીએ અને મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ભણવા માટે અને ફરવા માટે વ્યવસાય માટે અમેરિકા જતા હોય છે અને તેઓને વિઝા લેવા માટે મુંબઈ જવું પડે છે જે હવે અમદાવાદ થઈ જશે. આમ ગુજરાતીઓ માટે ખૂબ સારા સમાચાર છે. 9 વર્ષમાં મોદીના શાસનમાં ભારત દેશનો જે દબદબો વધ્યો છે તેનું આ ઉદાહરણ છે અને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની ગુજરાતને મોટી ભેટ મળી છે.
ગુજરાતીઓ વધારાનો ખર્ચ નહીં કરવો પડે: અમદાવાદના ટ્રાવેલ એજન્ટ અને વિઝાનો કામકાજ કરનાર હિમાંશુ શર્માએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી ગુજરાત અને ગુજરાતના લોકોને ખૂબ મોટો ફાયદો થશે. પહેલા અમેરિકાના વિઝા મેળવવા માટે લોકોએ મુંબઈ જવું પડતું હતું અને 2 દિવસ એક રાત્રિનું રોકાણ પણ મુંબઈ ખાતે કરવું પડતું હતું. ત્યારે વધારાના ખર્ચથી ગુજરાતીઓને છુટકારો મળશે જ્યારે વિઝા મળી જાય ત્યારે અમુક દિવસો બાદ પાસપોર્ટ કુરિયરમાં કરે આવતો હતો. જે હવે અમદાવાદમાં થઈ જશે તો તાત્કાલિક ધોરણે પાસપોર્ટ પણ અરજદારને મળી જશે આમ સમય અને નાણાં બંનેને વ્યર્થ થતો અટકશે.