ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં અશાંત ધારો કાયદો લાવવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકો શાંતિ સલામતી અને સુરક્ષાથી રહી શકે તે માટે અશાંતધારો કાયદો લાવવામાં આવ્યો છે.
જે બાબતે આજે ગુરુવારે અમદાવાદના વટવા અને નારોલ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં જૂન 2023 સુધી અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.
આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકારની સર્તકતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં 30 જૂન-2023 સુધી એટલે કે ત્રણ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
વટવા અને નારોલના જે વિસ્તારોમાં 30 જૂન-2023 સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. તે વિસ્તારોની યાદી પણ બનાવવામાં આવી છે.
આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે.
અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેક્ટરના કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.