ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ના ઉપલક્ષે ગાંધીનગર ખાતે વિશ્વભરના ઉદ્યોગપતિઓને પ્રતિનિધિઓનો જમાવડો થયો છે. ત્યારે ગતરોજ એક સત્રને સંબોધતા કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જ્યારે ભારત દેશ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનવા માટે તૈયાર છે.
વિકાસનું એન્જીન : છેલ્લા એક દાયકામાં ગુજરાતના વિકાસની પ્રશંસા કરતા કેન્દ્રીય નાણાંપ્રધાને વધુમાં જણાવ્યું કે, રાજ્યની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં 1.7 ગણી છે. વર્ષ 2011 અને 2021 વચ્ચે 12 ટકા સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે ગુજરાત રાજ્યનો દર વૃદ્ધિ પામ્યું છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સરેરાશ 10.4 ટકા રહી હતી.
વિકસિત ગુજરાત@2047 : કેન્દ્રીય મંત્રી સીતારમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ખાતે આયોજિત સેમિનારમાં સંબોધતા જણાવ્યું હતું કે, આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે વિકસિત ગુજરાત @ 2047 વિઝન ડોક્યુમેન્ટમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનવા અંગે ખૂબ જ સ્પષ્ટ છે. ગુજરાતમાં આપણા દેશની લગભગ 5 ટકા વસ્તી છે. તે દેશના એકંદર જીડીપીમાં 8.5 ટકાનું યોગદાન આપે છે અને દર વર્ષે રાષ્ટ્રીય ગ્રોસ વેલ્યુ એડેડમાં (GVA) 19 ટકા ઉમેરે છે.
ડિજિટાઇઝેશનથી વિકાસ : નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નોલોજી અને ડિજિટાઇઝેશન એ ભારતમાં નાણાકીય સમાવેશને મદદ કરનાર બે મુખ્ય ઉત્પ્રેરક છે. જન-ધન ખાતા ખોલીને 50 કરોડથી વધુ લોકોને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમમાં લાવવામાં આવ્યા હતા. લગભગ 56 ટકા જન-ધન ખાતાધારકો મહિલાઓ છે. 67 ટકા જનધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારમાં ખોલવામાં આવ્યા છે. વર્ષ 2011 માં ભારતના માત્ર 44 ટકા લોકો પાસે બેંક ખાતા હતા. ત્યારે ભારત સૌથી મોટા બેંક વગરના દેશોમાંથી હવે લગભગ 80 ટકા કવરેજ પર પહોંચી ગયું છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 : ઉલ્લેખનીય છે કે, 9 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ની 10 મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. 'ગેટવે ટુ ધ ફ્યુચર' આ વર્ષની સમિટની થીમ છે, તેમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંસ્થાઓની સહભાગિતાનો સમાવેશ થાય છે. ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા આ સમિટનો ઉપયોગ ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટેના પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવી રહ્યો છે.