રાજ્યમાં ટ્રાફિક નિયમનને લઈને આકરા દંડ લેવામાં આવી રહ્યાં છે. તેમ છતાં વાહનચાલકોને પડી ના હોય તે રીતે વાહનો ચલાવી રહ્યાં છે. લાયસન્સ વગર, સીટબેલ્ટ વિના અને કાચી ઉંમરે વાહન ચલાવતા ચાલકો પાસેથી પોલીસ દ્વારા દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે. પૂરપાટ જતા વાહન ચાલકો અનેક લોકોનો પોતાના જીવના જોખમે લઇ રહ્યાં છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એમ.આર પુવારની આગેવાનીમાં ગાંધીનગર શહેરમાં આવેલી શાળાઓ પાસે ડ્રાઇવ રાખવામાં આવી હતી.
શહેરના સેક્ટર 23માં આવેલી કડી સ્કુલ, ગુરુકુલ સ્કૂલ, સેક્ટર 22 ગુરુકુલ અને ચૌધરી સ્કૂલ પાસે ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમ બનાવીને વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યાં હતાં. જેમાં 3 સ્કૂલવાનને ડિટેઇન કરવામાં આવી હતી. જ્યારે 50 જેટલા વાહનચાલકો પાસેથી રૂપિયા 30 હજાર જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના લાયસન્સ વગરના વિદ્યાર્થીઓને દંડવામાં આવ્યા હતા. સ્કૂલ છૂટયા બાદ વિદ્યાર્થીઓ માટે લા સાંઢની જેમ વાહન લઇને પસાર થતા હોય છે. પરિણામે અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાના પણ અગાઉ કિસ્સા બનેલા છે. સ્કૂલ પાસે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. લાયસન્સ વિનાના વિદ્યાર્થીઓ પાસેથી ખાસ દંડ વસૂલ કરવામાં આવશે.