ગાંધીનગર : કોઈપણ દેશને રાજ્યની આવક એ જે તે દેશના રાજ્યના ઉદ્યોગો બાદ ટુરિઝમ સેક્ટરથી થતી હોય છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ટુરિઝમ સેક્ટરનો વ્યાપ વધ્યો છે. ત્યારે હવે ગુજરાતના ટુરિઝમ સેક્ટરની અંદર જ હવે એડવેન્ચર સેક્ટર અને સીમા દર્શનમાં પણ પ્રવાસીઓનો વધારો થાય તેને ધ્યાનમાં લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે એડવેન્ચર ટુર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાનું વાર્ષિક અધિવેશનનું આયોજન કર્યું હોવાની જાહેરાત ગુજરાતના ટુરિઝમ સચિવ હારિત શુક્લાએ કરી હતી. જેમાં અરુણાચલના સીએમ, ડે. ચીફ ઓફ આર્મી સહિતના મહાનુભાવો હાજરી આપશે. દેશના તમામ ટુરિઝમ સેક્રેટરીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમાં બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમ બાબતે ચર્ચા કરવામાં આવશે.
10મી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત પ્રી વાઈબ્રન્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટુરિઝમ બાબતે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.. સમગ્ર દેશમાં કોરોના બાદ ટૂરિઝમ સેકટરમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં સમગ્ર દેશમાંથી સૌથી વધુ 32 ટકા જેટલા ટુરિસ્ટો નોંધાયા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર ગુજરાતનો દેશના ટોપ ફાઇવ સ્ટેટમાં પ્રવેશ થયો છે. જ્યારે વિદેશીઓમાં પણ ગુજરાત નંબર વન ચોઈસ બન્યું છે. આમ હવે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ અને દેશના કુલ પ્રવાસીઓની સંખ્યાને આધારે એડવેન્ચર ટુરિઝમ અને બોર્ડર ટુરિઝમ બાબતે મહત્વના નિર્ણય કરવામાં આવશે...હારિત શુક્લા ( ગુજરાત ટુરિઝમ સચિવ )
એડવેન્ચર એસોસિએશન હાલ કરી રહ્યા છે સર્વે : ગુજરાતમાં એડવેન્ચર ટુરિઝમ બાબતે હારિત શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ગીર, કચ્છ સાપુતારા શિવરાજપુર બીચ, ધરોઈ જેવી જગ્યા ઉપર એડવેન્ચર ટુરિઝમ શરૂ કરવા બાબતે હાલમાં એડવેન્ચર ટુર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્યો હાલમાં મુલાકાત લઈ સર્વે કરી રહ્યા છે. આ કન્વેન્શન ત્રણ દિવસ સુધી ચાલશે અને તેમાં 200 થી વધારે એડવેન્ચર ટુરિઝમ સાથે જોડાયેલા લોકો ભાગ લેશે. આ કાર્યક્રમ ફક્ત સરકારના પોલીસી મેકર સિવાય આ ક્ષેત્રને લગતા જેટલા ઓપરેટર અને એક્સપર્ટ છે એ તમામ લોકો હાજર રહેશે અને જે લોકો એડવેન્ચરને લગતી એક્ટિવિટી ઓપરેટ કરે છે તેવા તમામ એક્સપર્ટ પણ કેવડિયા કોલોની ખાતે હાજરી આપશે.
ગુજરાત એડવેન્ચર ટુરિઝમ સતત કાર્યરત રહે તેવું આયોજન : હારિત શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે કેવડિયા કોલોની ખાતે આયોજિત કાર્યક્રમના પરિણામ ઓરિએન્ટેડ કાર્યક્રમ થશે. જેમાં એડવેન્ચર ટુરિઝમના ક્રાઇટ એરિયા, ટુર સેફટી બાબતે ચર્ચા કરવામાં આવશે. જ્યારે ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા એસોસિએશન સાથે લોન્ગ ટર્મ એમઓયુ કરવામાં આવશે. તેથી આખા વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇવેન્ટ અને પ્રવાસીઓ આવી શકે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નહીં આવે, જ્યારે કાર્યક્રમમાં કાર્બન ફ્રી ઇવેન્ટ કરવામાં આવશે એટલે જેટલા લોકો આવશે એટલા વૃક્ષારોપણ કરવામાં આવશે.