ગાંધીનગર: કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર દરમિયાન JEEની પરીક્ષા યોજાશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં પરીક્ષા કઈ રીતે યોજવી અને જિલ્લા કક્ષાએ કેવી રીતનું આયોજન છે તે વિશે ખાસ બેઠક યોજી હતી. જેમાં શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત આ પરીક્ષામાં રાજ્યના 13 જિલ્લાઓના 32 કેન્દ્ર ખાતે કુલ 38,167 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બેઠક યોજ્યા બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં JEEની પરીક્ષાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવશે. ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ હાથને સેનેટાઈઝર કર્યા બાદ જ તેઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની આ પરીક્ષા 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. જ્યારે NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
ઉપરાંત પરીક્ષા શરૂ થાય તે પહેલા જે જગ્યાએ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, તે કેન્દ્રને પણ સેનેટાઈઝ કરવામાં આવશે. જ્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ બેઠક વ્યવસ્થાનું સેનિટાઇઝેશન થાય તે પ્રકારે તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પોઝિટિવ વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે.
- 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર દરમિયાન JEEની પરીક્ષા યોજાશે
- રાજ્યમાં કુલ 38,167 વિદ્યાર્થીઓ JEEની પરીક્ષા આપશે
- NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે
ક્યાં ક્યાં જિલ્લામાં યોજશે JEE પરીક્ષા અને કેટલા સેન્ટર
- અમદાવાદ 3
- આણંદ 2
- ભાવનગર 1
- ગાંધીનગર 1
- સાબરકાંઠા 1
- જામનગર 3
- જૂનાગઢ 1
- મહેસાણા 2
- નવસારી 1
- રાજકોટ 4
- સુરત 6
- વડોદરા 3
- વલસાડ 4