ગાંધીનગરઃ તપોવન સંસ્કારપીઠ દેરાસરમાં 2.40 લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. દેરાસરના કુલ 13 દરવાજા અને ગર્ભગૃહના 3 દરવાજામાંથી એકપણ દરવાજો તોડ્યા વગર ઘૂસેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ચાંદીના 3 છત્તર તેમજ બાજૂબંધની ચોરી કરી હતી. આ અંગે અડાલજ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, તપોવન સંસ્કાર પીઠના જનરલ મેનેજર જયેશ મનસુખલાલ મહેતાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમા સવારે 6 કલાકના સુમારે દેરાસરના મેનેજર પ્રકાશ શાહે ફોન કરીને ચોરી અંગે જાણ કરી હતી. જેને પગલે તેઓ દેરાસર પહોંચ્યા ત્યારે દેરાસરની અંદરની દાન પેડી તૂટેલી હતી, જે ગર્ભગૃહના દરવાજા બંધ હતા. તેમાં શંખેશ્વર પાશ્વનાથ ભગવાનના ગર્ભગૃહના 3 સળિયા તૂટેલા હતા. જેમાં તપાસ કરતાં મુલ નાયક ભગવાન ઉપરનું 1.7 કિલોનું ચાંદીનું છત્તર અને 170 ગ્રામના બાજુબંધ ન હતા. બન્નેની કુલ કિંમત 1.30 લાખ હતી.
બીજી તરફ મહાવીર સ્વામી ભગવાન તથા શંખેશ્વર પાશ્વનાથ ભગવાન પર લાગેલા બે છત્તર બંનેનું 850-850 ગ્રામ હતું જેની કુલ કિંમત 1.10 લાખ થાય છે. મંદિરમાં પ્રવેશના કુલ 13 દરવાજા પર સેન્સર ફીટ કરેલાં છે, જે ચાલુ છે. આમ છતાં રાત્રે સાયરનો કોઈ અવાજ આવ્યો નથી. દેરાસર અને ગર્ભગૃહમાં CCTV ફીટ કરેલા છે. જેમાં બે ઈસમો ચોરી કરતા નજરે પડે છે. મંદિરની નીચે તરફ મલીભટ્ટવીર દેવના દરવાજાનું તાળુ તુટેલા હતું અને સમાધી મંદિરનું પણ થાલુ તૂટેલું હતું. જો કે, તેમાંથી કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નથી. ત્યારે હાલ તો અડાલજ PI ડી. એ. ચૌધરીએ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે.
મોઢે માસ્ક પહેરી અને ચડ્ડી પહેરીને આવેલા 3 લોકો CCTV કેમેરામાં કેદ થયા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે, એક પણ દરવાજો તૂટેલી હાલતમાં નથી ક્યાંય તાળું પણ તુટેલુ જોવા મળ્યું નથી. જેને લઇને પોલીસને પણ આ કોયડો ઉકેલતા નાકે દમ આવે તેવું લાગી રહ્યું છે.