સમગ્ર રાજ્યમાં ગુનાખોરી અને લૂંટના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અડાલજમાં કલોલ હાઇવે રોડ પર આદેશ આશ્રમ રામદેવપીર મંદિર ખાતે સેવા-પૂજા કરતા સાગરભાઇ અજયભાઇ ટોપીયાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટના 9 ઓક્ટોબરની છે, તે સમયે સાગરભાઇ સુરત ખાતે હવન માટે ગયા હતા, તે સમયે આશ્રમમાં બાપુ ભગવાન નાથ નામે અવાર-નવાર આવતા સાધુ આવ્યા હતા. જે રાત્રીના સમયે આશ્રમમાં રહેલું 40 હજારનું ચાંદીનું છત્તર, 10 હજારનું ઇન્વેટર અને GJ-18-DE-7965 નંબરનું એક્સેસ લઇ ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર ઘટના વિશે ગૌરીબેન જે સફાઇનું કામ કરે છે, તેમણે જાણ કરી હતી. જેને પગલે દોડી આવેલા સાગરભાઇએ આશ્રમમાં આવતા અન્ય સાધુ-સંતોની મદદથી ભગવાન નાથજીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સાગરભાઇના મામાનું અવસાન થતાં તેઓ થોડા દિવસ માટે સુરત ગયા હતા. બુધવારે મોડી સાંજે પરત ફરેલા સાગરભાઇએ આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને અડાલજ પોલીસે આ ઢોંગીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.