'મન હોય તો માળવે જવાય' આ કહેવત અનેક વખત લોકોના મોઢે સાંભળવામાં આવી છે. અનેક લોકો સફળ થવા માટે કહેવતનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ સફળતા સુધી પહોંચતા નથી. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છે. જેને એક સાથે ત્રણ સ્પર્ધાને બે વખત પૂરી કરી છે.
સુરતના યુવાન મહેશ પ્રજાપતિ વર્લ્ડ ટ્રાયકલોથૉન સ્પર્ધામાં ભાગ લીધો હતો. દુનિયામાં સૌથી અઘરી ગણાતી મલેશિયામાં યોજાતી ઇન્ટરનેશનલ આર્યનમેન સ્પર્ધા ચાલુ વર્ષે 26 ઓક્ટોબરે યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર મહેશ પ્રજાપતિએ ભાગ લીધો હતો. અને તેને સફળતાપૂર્વક પાર પાડી હતી.
ગુજરાતમાંથી એકમાત્ર ભાગ લેનાર સ્પર્ધક મહેશ પ્રજાપતિ કહે છે કે, રમત શરૂ થાય ત્યારથી લઈને 17 કલાકની અંદર પૂરી કરવાની હોય છે. જે ખુબ જ અઘરી છે. પહેલા દરિયામાં 3.8 કીલોમીટર સ્વિમિંગ કરવાનું હોય છે. ત્યારબાદ બહાર નીકળીને 180 કિલોમીટર સાઇકલિંગ અને તુરંત 42.5 કિલોમીટર દોડ લગાવવાની હોય છે. આ ત્રણેય રમત 17 કલાકમાં સફળતા મેળવવી હોય તો પૂરી કરવી જરૂરી છે. ગુજરાતમાંથી અત્યાર સુધી કુલ પાંચ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મહેશ પ્રજાપતિએ બે વખત ભાગ લીધો છે અને તેણે રમત પૂરી કરી છે.
ગુજરાતના સ્પર્ધકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચમકાવવા માટે સરકાર દ્વારા અનેક રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંતુ દુનિયામાં સૌથી અઘરી ગણાતી સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકોને સરકાર દ્વારા કોઇ પ્રોત્સાહન આપવામાં આવતું નથી.આ રમતમાં ભાગ લેનાર સ્પર્ધકને 1.50 લાખ રૂપિયા જેટલો ખર્ચ પોતાના ખિસ્સામાંથી જ કરવો પડતો હોય છે. ત્યારબાદ સરકાર આવા સ્પર્ધકોને સરકારી નોકરી આપે તો પણ ગુજરાતના છેવાડે પડેલી પ્રતિભા મોટી સંખ્યામાં બહાર આવશે.