નવી દિલ્હીઃ બજેટ સત્રને લઈ વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, આ આ સત્ર ભારતના ભવિષ્ય માટે ખુબ જ મહત્વનુ છે. તેમણે કહ્યું હતું કે સદનમાં ભારતના લોકોએ ધ્યાન રાખ્યું છે. આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. એક ફેબ્રુઆરીએ સંસદમાં નાણાંકીય વર્ષ 2021-22નું આમ બજેટ રજૂ કરવામાં આવશે. બે હિસ્સામાં ચાલનાર બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. CIIએ બજેટ 2021 માટે નાણાં પ્રધાનને ભલામણ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગ્રોથ, નાણાકીય કોન્સોલિડેશન અને નાણાકીય સેક્ટરને મજબૂત કરવા માટે પગલાં લેવાની જરૂર છે.
કેન્દ્રીય બજેટમાં જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગની આશા અને અપેક્ષા
જામનગરઃ આગામી નાણાકીય વર્ષે 2021-22ના કેન્દ્રીય બજેટ અંગે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને જામનગરના સાંસદ પુનમ માડમના માધ્યમથી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારામણને આવેદનપત્ર પાઠ્યું છે. જેમાં જામનગરના બ્રાસ ઉદ્યોગના વિકાસને સ્પર્શેતા, અસરકર્તા વિવિધ પ્રશ્નોની કેન્દ્રીય સ્તરે વાચા આપવા માટે રજૂઆત કરાઈ છે.
બજેટમાં જામનગર બ્રાસ પાર્ટ ઉદ્યોગની આશા
વિશ્વના બધા દેશ પર્યાવરણ મુક્ત ધાતુ ભંગારની આયાતને પ્રોત્સાહીત કરે છે, ત્યારે ભારત બહુ મોટા પ્રમાણમાં વિદેશમાંથી ધાતુ ભંગારની આયાત કરે છે. ભારતમાં આ પ્રકારના ધાતુ ભંગારની આયાત પર 2.50 ટકાથી 5 ટકા જેટલી આયાત ડ્યૂટી વસુલવામાં આવે છે. જેને હાલના સંજોગોને આધિન આત્મનિર્ભેર ભારત બનાવવા માટે ધટાડીને 0 ટકા કરી દેવા અંગેની રજૂઆત બ્રાસ પાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ કરી છે. ઉલ્લેખનીય છે કે, જામનગર સમગ્ર એશિયામાં બ્રાસ પાર્ટ્સ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં આશરે 8,000 જેટલા લઘુ-ઉદ્યોગ દ્વારા ધાતુ ભંગાર આયાતની કામગીરી કરાઈ રહી છે.
બ્રાસ પાર્ટ 30 ટકા મહિલાઓને રોજગારી આપે છે
આ ક્ષેત્ર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આશરે 2.50 લાખ લોકોને અને એમાં પણ ખાસ કરીને 30 ટકા જેટલી સ્ત્રી કામદારને સ્વમાનભેર રોજગારી પુરી પાડે છે. સ્થાનિક ક્ષેત્રે ધાતુ ભંગારની અપુરતાને કારણે આ કાચામાલની આયાતકારો વિદેશમાંથી આયાત કરે છે. સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર દેશ છે કે જયાં કાચામાલ ( ધાતું ભંગાર )ની આયાત પર 2.5 ટકાથી 5 ટકા જેટલો આયાત કર લગાવવામાં આવી રહ્યો છે. જામનગર એ બ્રાસ પાર્ટ્સ ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર છે અને ત્યાં ધાતુ ભંગારને ( કે જેનો અન્ય કયાંય પણ ઉપયોગ થઈ શકતું નથી ) કાચામાલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાંથી અનેક પ્રકારના પિતળના પાર્ટ્સ બનાવવામાં આવે છે. ધાતુ ભંગારને અન્ય માર્ગેથી પુનઃ ઉપયોગમાં લઈ સ્વચ્છ ભારત, મેક ઈન ઈન્ડિયા તથા આત્મનિર્ભેર ભારત કાર્યક્રમને સફળ બનાવવા માટે આનાથી મોટું ઉદાહરણ હોઈ શકે નહીં. હાલમાં વિશ્વના અન્ય દેશોમાં ધાતુ ભંગારની આયાત પર કોઈ પ્રકારનો આયાત કર નથી. જેથી ભારત દેશની મેટલ રિસાઈક્લિંગ ઉદ્યોગ વૈશ્વિક હરીફાઈ યુક્ત બજારમાં ટકી શકવા સમર્થ નથી, ત્યારે આ સંસ્થા દ્વારા સરકારને રજૂઆત કરાઈ છે કે, ધાતુ ભંગારની આયાત પર આયાત કરનો દર 0 ટકા કરવામાં આવે. આવું કરવાથી પ્રાથમિક દ્રષ્ટિએ સરકારની આવક ધટશે તેવું જણાય પરંતુ આયાત કરનો દર 0 ટકા કરવાથી ઉત્પાદકોનું ઉત્પાદન વધશે અને આવા ઉત્પાદનોના વેચાણથી સરવાળે સરકારને GSTના સ્વરૂપમાં અનેકગણી આવક પ્રાપ્ત થશે. જેથી ધાતુ ભંગારની આયાત પર આયાત કરનો દર ધટાડીને 0 ટકા કરવો જોઈએ.
ધાતુ ભંગારમાં 5 ટકા GST કરવા રજૂઆત
જામનગરના બ્રાસ ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતા વિવિધ ધાતુ ભંગાર પરના GSTના દરો હાલમાં 18 ટકા જેટલા ઉંચા છે. જેમાં ધટાડો કરીને 5 ટકા કરવા માટે રજૂઆત કરાઈ છે. જામનગરના ઉદ્યોગકારો ધાતુ ભંગારમાંથી અર્ધતૈયાર માલનું ઉત્પાદન કરતા હોય છે અને આ અર્ધતૈયાર માલને ખાસ કરીને મોબાઈલ, એન્જિનીયરિંગ, કન્સ્ટ્રકશન જેવા ઉદ્યોગમાં તૈયાર માલ બનાવવામાં ઉપયોગ થતો હોય છે. જેના પર 418 ટકા જેટલા ઉંચા દરને કારણે લોકો પર આર્થિક ભારણ આવી જતા તેની વિપરીત અસર દેશના અર્થતંત્ર પર પડે છે. જેને નિવારવા માટે GST કાઉન્સીલે દરેક પ્રકારના લેહ ધાતુ ભંગાર પર GSTનો દર જે હાલમાં 18 ટકા છે, તેને ઘટાડીને 5 ટકા કરવો જોઈએ. જેથી દરેક ધંધાર્થીઓ GST ભરવા માટે પ્રોત્સાહીત થશે અને સરવાળે એક વખત GST કરમાળખામાં આવી જવાથી તેના ભવિષ્યના દરેક વ્યવહાર પર સરકારને આવક પ્રાપ્ત થશે.
સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને કેન્દ્રીય બજેટથી ઘણી આશા
સુરતઃ ટેક્સસેશન સિસ્ટમમાં પરિઝમટિવ ટેક્સ દાખલ કરવા, વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને વેપારી કરી રહ્યા છે. સાથે કોરોના કાળમાં જે સ્થિતિ ઉદ્યોગની થઇ છે. તેને ધ્યાનમાં રાખી બજેટમાં ખાસ પેકેજની જાહેરાત થાય તેવી આશા પણ વેપારીઓ દ્વારા રાખવામાં આવી છે.
કોરોના કાળમાં રત્નકલાકારોની સ્થિતિ દયનીય
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. જેને લઈ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે. આ અંગે એસોસિએશનના પ્રમુખ અને ડાયમંડના વેપારી સવજી ભરોળિયાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં સરકારે હીરા ઉધોગ સ્થાપવા જોઈએ. જેથી રોજગારી મળી શકે અને યુવાનો પોતાના વતનમાં રહીને ઉધોગને વધુ વેગ આપી શકે. કોરોના કાળમાં રત્નકલાકારોની સ્થિતિ દયનીય બની છે. જેથી સરકાર બજેટમાં સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે. જે પણ સાધનો કે મશીનરી ઉદ્યોગમાં વાપરવામાં આવે છે, તેમાં સબસીડી મળે.
બેન્કિંગ ધિરાણમાં છૂટછાટ આપવામાં આવે
હીરાના વેપારી અને સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને બેન્કિંગ ધિરાણમાં છૂટછાટ આપવામાં આવે એવી આશા અમે બજેટથી રાખી છે. બેંકિંગ ક્ષેત્રમાં ધિરાણને લઈ હીરાઉદ્યોગ નેગેટિવમાં છે. જેને પોઝિટિવ કરવા સરકાર વિચારે. આ ઉદ્યોગમાં જે સાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, સરકાર તેની ઉપર સબસિડી આપે અને સાથે સાથે જી એસ ટી ને સરળતા કરવામાં આવે હીરા ઉદ્યોગના જીએસટી રિફંડ જે બાકી છે, તે રિલીઝ કરવામાં આવે. હીરા ઉદ્યોગમાં મહિલાઓ આગળ આવી રહી છે. તેમને સ્પેશિયલ દરજ્જો આપી ખાસ વ્યવસ્થા કરવામાં આવે.
ગોલ્ડ ડ્યુટી ઘટાડે તો ઉદ્યોગને લાભ થઈ શકે
હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી ચંદ્રકાંત તેજાણીએ જણાવ્યું હતું કે, બજેટ જાહેર થશે ત્યારે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે, જવેલરી ક્ષેત્રે જે 7 ટકા ડ્યૂટી છે, તે ઘટાડવા માં આવે. વેલ્યુ એડીશન કરવા માટે જે જ્વેલરીનું ક્ષેત્ર છે. તેમાં અન્ય દેશ કરતા અમે વધારે આગળ વધી શકીએ તેમ છીએ. દાખલા તરીકે સિંગાપુર અને હોંગકોંગ જ્વેલરી ક્ષેત્રે આપણા કરતાં વધારે આગળ છે. જો વેલ્યુ એડીશનમાં ડ્યુટી ઘટાડે તો આપણે આગળ આવી શકીએ છીએ. ખાસ કરીને ગોલ્ડ ડ્યુટી ઘટાડે તો ઉદ્યોગને લાભ થઈ શકે છે.
વેપારીઓએ શું કરી છે માગ
- પ્રીજ્યુમટરી ટેક્સની છેલ્લા 5 વર્ષથી માંગણી કરવામાં આવે છે તે પૂર્ણ કરવી
- વિદેશની કંપની ભારતમાં જોબ વર્ક કરવા માંગે તેના માટે અલગ કાયદો બનાવો જોઈએ જેનાથી ઉધોગને નવી દિશા મળે
- વિદેશથી આવતા માલ માટે ટન ઓવર ટેક્સ હોવો જોઈએ, જેથી હીરા ઉધોગને વેગ મળે, ગોલ્ડ પર જે 10 ટકા ડ્યુટી છે તે ઘટાડી 6 ટકા કરવી જોઈએ
- નાના કારખાના માટે બેન્કિંગ અને ફાઇનાન્સ માટે સરળ પોલિસી બનાવવી જોઈએ
- સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું જોઈએ, જેથી વિદેશમાં વેપાર સરળતાથી થઇ શકે
- RND એક પણ લેબ નથી તો તે આપવી જોઈએ જેથી હીરા ઉધોગમાં નવા સંશોધન થઇ શકે
સુરતઃ કાપડ ઉદ્યોગના વેપારીઓની કેન્દ્રીય બજેટને લઇને આશા-અપેક્ષા
સુરત: કોરોના કાળમાં મરણ પામેલા ઉદ્યોગોને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. સુરત શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ GST, નોટબંધી અને ત્યારબાદ કોરોના કાળને કારણે ખૂબ જ અસરગ્રસ્ત થયો છે. જેથી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કર્યા અગાઉ જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે.
5 લાખની આવકને ટેક્સ ફ્રી રાખવામાં આવે
સુરત ફેડરેશન ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ( ફોસ્ટા)ના પ્રમુખ રંગનાથ શારદાએ ETVBharatને બજેટની અપેક્ષાઓને લઈ જણાવ્યું હતું કે, બજેટથી વેપારીઓને હંમેશા અપેક્ષાઓ હોય છે. આ વખતે કોરોના કાળના કારણે વેપાર ઉપર ખાસી અસર પડી છે. હાલ ઉદ્યોગ જેમ તેમ કરી માત્ર 60 ટકા જ ટ્રેક પર આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર પાસે 2 પ્રકારની અપેક્ષાઓ છે, 1 ઇન્કમટેક્ષ અને 2 GST. જેથી વેપારીઓ ઈચ્છે છે કે 5 લાખની આવકને ટેક્સ ફ્રી રાખવામા આવે. આ સાથે જ ગત વર્ષની જેમ આ વર્ષે પણ આમાં ફેરબદલ કરવામાં ન આવે અને 5થી 10 લાખની આવક વાળાઓને 10 ટકાની રેન્જમાં રાખવા આવે. જેના કારણે રૂપિયા માર્કેટમાં આવશે અને ફ્લો વધશે. જો 5થી 10 લાખ સુધીમાં હેવી ટેક્સ રહેશે તો વેપારી પોતાની રકમ જુદી-જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરશે.
યાર્ન પર 12 ટકા GST
વધુમાં તેમણે કેન્દ્રીય બજેટમાં 5 ટકા જ GST રાખવા માગ કરી છે. આ સાથે જ યાર્નમાં જે વિવિધ પ્રકારના GST ટેક્સ છે, તે તમામને 1 પ્રકારના ટેક્સમાં લાવવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, યાર્નમાં અત્યારે 12 ટકા GST છે. જેથી વેપારીઓએ આ ટેક્સને પણ 5 ટકા કરવા અંગે કહ્યું છે. આ સાથે જ વેપારીઓએ જણાવ્યું કે, તેમનું સિન્થેટિક કાપડની બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. જેથી ગારમેન્ટ હબને પ્રાત્સાહન આપવું જોઈએ. આવું કરવાથી કોરોના કાળમં થયેલું નુકસાન કવર કરી શકાશે.
એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવી જોઈએ
વેપારીઓએ જણાવ્યું કે, જે ITC-04 રિટર્ન છે, તેને કાપડ ઉદ્યોગથી નાબૂદ કરવાની જરૂર છે. ખાસ કરીને બાંગ્લાદેશ અને વિયેતનામ સાથે ફ્રી ટ્રેડની સંધિના કારણે કાપડ ડમ્પિંગ થઈને ચાઇનાના માધ્યમથી ભારતમાં આવે છે. જેની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવી જોઈએ. જો તેની પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે, તો જે સ્પિનર્સ નફા ખોરી મેળવી રહ્યા છે તે મેળવી શકશે નહીં.
સુરતને મોટું ટેક્સટાઇલ હબ બનાવમાં આવે
અન્ય વેપારી શ્રી કૃષ્ણ બંકાએ જણાવ્યું હતું કે જ્યારે પણ બજેટ આવે છે, ત્યારે વેપારી વિચારે છે કે તેમને ઘણી રાહત મળશે. કોરોનાના કારણે વેપારીઓએ ખૂબ માર ખાધો છે. જેથી વેપારીઓને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ સાથે જ આ વેપારીએ સુરતને મોટું ટેક્સટાઇલ હબ બનાવવાની માગ કરી છે.
વધારાનો ટેક્સ કાપડ ઉદ્યોગ પર મૂકવામાં ન આવે
આ અંગે વેપારી દિનેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે બજેટથી હંમેશા વેપારીઓને આશા રહી છે, પરંતુ સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ હંમેશા બજેટથી નિરાશ રહ્યા છે. ગત 10 વર્ષની વાત કરવામાં આવે તો સુરત કાપડ માર્કેટને ક્યારેય પણ કોઈ લાભ મળ્યો નથી. જે પરિસ્થિતિ કોવિડ-19ના કારણે સર્જાઈ છે, તેને ધ્યાનમાં રાખીને કાપડ ઉદ્યોગ પર વધારાનો ટેક્સ નાખવો જોઈએ નહીં.
સામાન્ય બજેટમાં રેલવેને લઈને એક્સપર્ટની શું છે અપેક્ષાઓ ?
અમદાવાદઃ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇ યુનિયનના પ્રેસિડેન્ટ આર.સી.શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે રેલવે બજેટને જનરલ બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું, ત્યારે રેલવેના વિવિધ પ્રોજેક્ટને ઝડપી ફંડ મળશે તેવી આશા હતી, પરંતુ તેવું થયું નથી. કોરોનાને કારણે સમગ્ર દેશમાં રેલવે બંધ રહી છે, ત્યારે લોકોની સુખાકારી ખાતર તુરંત જ ભારતીય રેલવેની પેસેન્જર સેવાઓ શરૂ કરવામાં આવે.
રેલવેના ઓનગોઇંગ પ્રોજેકટને સમયસર પૂર્ણ કરાય: આર.સી.શર્મા
આર.સી.શર્માએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 2024 સુધીમાં ભારતીય રેલવેનું સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિફિકેશન કરવાનું લક્ષ્ય રખાયું છે. તેને પ્રાથમિકતા સાથે સમયસર પૂર્ણ કરવામાં આવે, તે માટે બજેટમાં યોગ્ય ફંડની ફાળવણી કરવી જોઈએ. વર્તમાનમાં જેટલા પણ રેલવેના પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે, તે સમયસર પૂર્ણ થાય તે માટે ફંડ આપવું જોઈએ. જો વર્તમાન પ્રોજેકટ સમયસર પૂર્ણ થાય તો બજેટમાં બીજા કોઈ નવા પ્રોજેક્ટની જોગવાઈ ન થાય તો પણ ચાલશે.
રેલવે એ ભારતમાં પ્રથમ નંબરનું પરિવહન તંત્ર
અમદાવાદના મણીનગર રેલવે પેસેન્જર યુનિયનના પ્રમુખ ઉપરાંત રેલવેમાં કેટલાય યુનિયનના હોદ્દા પર રહી ચૂકેલા દિલીપ પંડ્યાએ જણાવ્યું હતું કે, રેલવે એ ભારતમાં પ્રથમ નંબરનું પરિવહન તંત્ર છે. ગરીબ વ્યક્તિ પણ રેલવેનો ઉપયોગ કરે છે. વર્ષોથી લોકોની માંગ રહી છે કે, ધાર્મિક સ્થળોને જોડતી ટ્રેનો શરૂ થવું જોઇએ અને આ સ્થળો પર બ્રોડગેજ રેલવે લાઈન નાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના જુદા-જુદા સ્થળોએથી કેવડીયા જતી આઠ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગુજરાતને અલગ રેલવે ઝોન જાહેર કરાય: દિલીપ પંડયા
દિલીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડુ મથક તરીકે કરવાની માંગ ક્યારની થઈ રહી છે, જો તેમ થઈ શકતું ન હોય તો ગુજરાતને એક અલગ રેલવે ઝોન તરીકે જાહેર કરવામાં આવે, કારણ કે, ગુજરાતમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટસ પણ આવી રહ્યા છે અને ગુજરાતમાં રેલવેનું વિશાળ નેટવર્ક છે.
બજેટ 2021ઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની આશા
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે સતત સામાન્ય પરિવારના બજેટ ઉપર અસર પડી રહી છે. હવે જયારે બજેટની જાહેરાત થવાની છે ત્યારે દરેક વ્યક્તિ સરકાર તરફ આશાઓ લગાવી રહ્યો છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય. બજેટ જાહેર થવાના એક દિવસ પહેલા પેટ્રોલનો લીટર દીઠ ભાવ 83.66રૂપિયા અને ડીઝલનો ભાવ 82. 41રૂપિયા લીટર છે. જે જાન્યુઆરી 2020માં પેટ્રોલનો ભાવ 70.69 અને ડીઝલનો ભાવ 65 રૂપિયાથી પણ ઓછો હતો.
શા માટે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ..?
એક તરફ મોંઘવારી, કોરોનો મહામારીની અસર અને એવામાં પડતા ઉપર પાટુ હોય તેમ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવમાં થતો વધારો સામાન્ય વ્યક્તિની કમર તોડનારા પરિબળ સાબિત થઇ રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ માટે જાણવું જરૂરી બને કે શા માટે થઇ રહ્યો છે ભાવ વધારો ?ભારત જેવા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા સામે બે કારણો છે. પહેલું કારણ એ છે કે, સતત આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેરલ દીઠ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે ત્યારે બીજું કારણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લાગતો ટેક્સ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું સ્થિતિ?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ એક મહિનામાં 47.50 ડૉલરથી વધીને 53.50 ડૉલર સુધી પહોંચ્યો હતો. હાલ તે 52 ડૉલર આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે ક્રૂડના ભાવમાં વધારો થયો છે, પણ તેના કરતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ નોંધપાત્ર કહી શકાય તેવો વધારો થયો છે. જેથી આમ જનતા પર બોજો પડ્યો છે.
સરકાર કઈ રીતે ટેક્સ લગાવે છે ?
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સસાઈઝ ડ્યુટી લગાવે છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન અથવા તો પ્રોડક્શન પર એક્સસાઈઝ ટેક્સ લગાવવામાં આવે છે, જયારે રાજ્ય સરકાર પોતાની રીતે VAT એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ લગાડે છે. (નોંધ:-હજુ પેટ્રોલ અને ડીઝલ ઉપર GST લાગુ નથી કરવામાં આવ્યો) પરંતુ સરકાર અન્ય કોઈ વસ્તુઓ કરતા પેટ્રોલ અને ડીઝલ ઉપર ટેક્સ વધુ પ્રમાણમાં લે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર અપ્રત્યક્ષ કર લગાડે છે જે અન્ય વસ્તુઓ કરતા સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલ પર લગાડવામાં આવે છે. આ ટેક્સથી સરકારની આવક થાય છે અને કોરોના મહામારીને કારણે સરકારની તિજોરીમાં જે ઘટ થઇ છે તેને પણ સરભર કરી શકાય.
જોકે અહીં એક સૌથી મોટી વાસ્તવિકતા એ પણ છે કે, પેટ્રોલ અને ડીઝલ સિવાય ક્યાંય આટલા મોટા પ્રમાણમાં સરકારને આવક પ્રાપ્ત થાય એવો સ્ત્રોત નથી. તેથી પણ સરકાર ટેક્સ ઓછો નથી કરતી.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર મોંઘવારી પર
આમ જનતા એવું ઈચ્છી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલ પરના સરકારી ટેક્સ ઓછા કરીને રાહત આપવી જોઈએ. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે અને સતત ઉંચી સપાટી પર છે, તેમ છતાં વિરોધ પક્ષ વિરોધ કરતો નથી. જેથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટમાં આશા છે કે, પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની સીધી અસર મોંઘવારી પર પડશે. આગામી દિવસોમાં જાહેર થનાર ફુગાવાનો દર પણ વધીને આવશે. આર્થિક સમતુલા ખોરવાઈ જશે, તેમજ ક્રૂડ ઓઈલ ભારત આયાત કરે છે, જેથી ફિસ્કલ ડેફિસીટ પણ વધીને આવશે.
જેમ્સ એન્ડ ગોલ્ડ ઇન્ડસ્ટ્રીની કેન્દ્રીય બજેટમાં આશા-અપેક્ષાઓ
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સૌ કોઈ વર્ષ 2021-22 ના બજેટની રાહ જોઈ રહ્યા છે. મોદી સરકાર આવનારા બજેટમાં શું નવી જાહેરાતો કરશે તે પાછળ દરેક વ્યક્તિ મીટ માંડીને બેઠા છે, ત્યારે ગોલ્ડ એન્ડ જેમ્સ સેક્ટર સાથે જોડાયેલા લોકો આવનારા બજેટથી કેવી આશાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યા છે આવો જાણીયે
હાલ દેશના gdp માં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડટ્રીનો ફાળો
હાલ દેશહાલ દેશના gdp માં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડટ્રીનો ફાળો ના gdp માં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડટ્રીનો ફાળો 7.5 ટકા છે. જ્યારે કુલ નિકાસમાં 14 ટકા ભાગીદારી છે. તેમજ દેશના 60 લાખથી વધુ લોકોને રોજગારી આપી રહી છે, ત્યારે સોના પર લાગવામાં આવતી ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તેવી ઓલ ઇન્ડિયા જેમ્સ અને જવેલરી એશોસિયેશનના પ્રમુખ શાંતિભાઈ પટેલે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની સાથો સાથ પાનકાર્ડની જે લિમિટ નક્કી કરાઈ છે. તેમાં 5 લાખ સુધીનો વધારો કરવામાં આવે આપણા દેશના નિકાસમાં વધારો થાય તે માટે ઇમિટેશન સેક્ટરના MSME સેક્ટરને વધુ સુવિધા મળે તેવી માંગણી કરાઇ છે.
અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખની માંગ
અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ જીગરભાઈ સોનીએ સરકાર પાસેથી માંગણી કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં આયાત અને નિર્યાત માટે કસ્ટમ ડ્યુટી કે, જે હાલ 12.5 ટકા છે. તેમાં ઘટાડો કરવો ખુબ જ જરૂરી છે અને જે કાયદાઓની અમલવારી હાલ ચાલી રહી છે તેમાં પણ ઘણા સુધારા કરવાની જરૂર છે.
બજેટમાં MEIS સ્કીમમાં સુધારાની, ટેક્ષ, R&D માટે રાહત આપતી જાહેરાત કરે તેવી ફાર્મા ઉદ્યોગકારોની અપેક્ષા
વાપી : સરીગામ GIDC જેમ કેમિકલ માટે અગ્રણી ઔદ્યોગિક વસાહત છે. તેવી જ રીતે વાપી-સરીગામ, દમણ, દાદરા નગર હવેલી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે. કોરોના કાળમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીને સરકારે કેટલીક મહત્વની સવલતો પુરી પાડી હતી. આગામી બજેટમાં પણ સરકાર ચીન સામે મુકાબલો કરવા જૂની જાહેરાતોમાં સુધારો, R&D, ઇનોવેશન, ટેક્ષમાં વધુ બેનિફિટ આપે તેવી આશા સેવી છે.
આગામી કેન્દ્રીય બજેટ 2021/22 માં દરેક ઉદ્યોગકારો મોટી આશા સેવી રહ્યા છે. ત્યારે બજેટ પહેલા જ કોરોના કાળમાં સારી એવી સવલતો મેળવનાર ફાર્મા ઇન્ટરમીડિયેટ ઉદ્યોગના ઉદ્યોગકારો પણ તેમાં પાછળ નથી. ફાર્મા ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ આ અંગે જણાવ્યું હતું કે, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં સરકારનું જે માળખું છે. જે નિયમો છે તે હાલની પરિસ્થિતિ ને અનુકૂળ છે. સરકારે GST, ડોમેસ્ટીક ટેક્ષ, એક્સપોર્ટમાં રાહત આપી છે.
નવી-જૂની સ્કીમ હેઠળ સુધારો કરવામાં આવેપરંતુ રો-મટિરિયલમાં ભારત ચીન સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. સરકારે MEIS (merchandise export from India's scheme) લોંચ કરી હતી. જેમાં ઇન્ટેનસીવ મળતું હતું તે બંધ કરી નવી રિવાઇઝ સ્કીમ અમલમાં લાવવાની તૈયારી કરી છે. જે ફાર્મા ઉદ્યોગકારો માટે વધુ મુશ્કેલ બનશે. આ બજેટમાં આ સ્કીમ હેઠળ સુધારો કરી ઇન્ટેનસીવ આપવામાં આવે.
કોવિડ સમયે મહત્વની સુવિધા પૂરી પાડી
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને સરકારે કોવિડ સમયે મહત્વની સવલતો પ્રદાન કરી હતી હતી. ચીન સામે સ્પર્ધા કરવા આત્મ નિર્ભર અભિયાનને મહત્વનું ગણાવ્યું હતુ. ત્યારે જૂની સ્કીમમાં સુધારો કરવામાં આવે, ટેક્ષમાં વધુ રાહત આપવામાં આવે, R&D, ઇનોવેશન માટે પૂરતો સ્કોપ આપતી જાહેરાત કરવામા આવશે તો, આ બજેટ ફાર્મા ઉદ્યોગકારો માટે ખૂબ જ આવકારદાયક રહેશે.
બજેટમાં આશા અપેક્ષા
ઉલ્લેખનીય છે કે, કોવિડ કાળ દરમ્યાન ફાર્મા સ્યુટિકલ ઉદ્યોગ જ એક એવો ઉદ્યોગ હતો. જેણે દેશના અર્થતંત્રને ડામાડોળ થતું બચાવ્યું હતું. ત્યારે બજેટમાં ફાર્મા ઉદ્યોગકારોની આશા-અપેક્ષાઓ પર નાણાપ્રધાન નિર્મલા સીતારામન ખરા ઉતરે છે કે, કેમ તે તો 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ પ્રસ્તુત કરશે ત્યારે જ જાણવા મળશે.
કેન્દ્રીય બજેટમાં MSME સેક્ટર માટે લાભદાયક જાહેરાતો કરવામાં આવે તેવી વાપીના ઉદ્યોગકારોને આશા અને અપેક્ષા
વલસાડઃ ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં વાપીના કેમિકલ ઉદ્યોગક્ષેત્રે કાર્યરત ઉદ્યોગકારોને મોટી આશા છે. વાપીમાં ખાસ કરીને MSME સેક્ટરને નડી રહેલી સમસ્યાઓને દૂર કરી GDP રેટમાં વધારો કરી શકે તેવી જાહેરાતો નાણાપ્રધાન કરે તેવી અપેક્ષા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ સેવી છે.
બજેટ પર ઉદ્યોગકારો મોટી આશા
1લી ફેબ્રુઆરીએ સંસદમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2021/22નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કેવી આશા અપેક્ષા સેવે છે. તે અંગે VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ વિગતો આપી હતી કે, વાપી એક મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે. આ બજેટ પર ઉદ્યોગકારો મોટી આશા લઈને બેઠા છે. તમામ સેકટર સાથે MSME સેક્ટર પણ આ બજેટમાં મોટી આશા સેવી રહ્યું છે.
દેશના કુલ GDPમાં 30 ટકાનો ફાળો
દેશના કુલ GDPમાં 30 ટકા અને રોજગારીમાં 40 ટકાનું માતબર યોગદાન MSME સેકટર આપી રહ્યું છે. ત્યારે આ સેક્ટર માટેની ખાસ જોગવાઈઓ સાથેની લાભદાયક જાહેરાત આ બજેટમાં આપે એવી સરકારની ફરજ હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.
ટેક્સ પેકેજ આપવામાં આવે તેવી માગ
તેમના મતે MSME સેકટરની જે આશા અપેક્ષાઓ છે, તેમાં GSTમાં લાભો મળે સાથે જ ભૂતકાળમાં જેવી રીતે સંઘપ્રદેશ અને કચ્છમાં ખાસ ટેક્સ હોલી ડે પેકેજ આપવામાં આવ્યાં હતા. તેવી કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવે. કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરે, ક્રેડિટ ફેસીલીટીઝ આપવામાં આવે.
સ્ટાર્ટઅપ ઉદ્યોગ માટે ખાસ જાહેરાત કરે
આ ઉપરાંત જે સ્ટાર્ટઅપ બિઝનેસ છે, તેવા બિઝનેસમાં મૂડીરોકાણ, સ્થળ પસંદગી માટે single window clearance system અમલી બનાવવામાં આવે. જો આ પ્રકારની જાહેરાત આ બજેટમાં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં તમામ ઉદ્યોગકારો દેશના GDP રેટમાં પણ પોતાનું સારું યોગદાન આપી શકશે. દેશ બે આંકડાનો GDP રેટ પ્રાપ્ત કરી વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરી શકશે.
કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગ
રાજકોટ: કેન્દ્રીય બજેટને લઇને ETV BHARATની ટીમ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે કે, આવનારું બજેટ સરળ હશે. જેથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગણીઓ તેમણે લેખિતમાં સરકારને આપી છે. આ સાથે જ તેમણે માગ કરી છે કે, ઇન્કમ ટેક્સના સ્લેબમાં 10 ટકા જેટલી રાહત આપવામાં આવે. આ ઉપરાંત સીનિઅર સિટિઝનોને પણ ઇન્કમ ટેક્સમાં વિશેષ લાભ આપવામાં આવે. સરકાર દ્વારા ટેક્સમાં રાહત આપવામાં આવશે તો મોટાભાગના લોકો ટેક્સ ભરી શકશે અને સરકારને પણ સીધો ફાયદો મળી શકશે.
ખેતીને પણ ઇન્ડસ્ટ્રિસનો દરજ્જો આપવો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી છે કે, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. જેને લઈને દેશમાં કૃષિને પણ ઇન્ડસ્ટ્રિસનો દરજ્જો આપવો જોઈએ, જ્યારે ઇન્ડસ્ટ્રિસ ઉદ્યોગોમાં સરકાર દ્વારા ઘણું બધું આપવામાં આવ્યું છે. જેમાં અગાઉ સરકાર દ્વારા ઉદ્યોગકારો માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું હતું, જેના કારણે ઘણી રાહત થઈ હતી.
સરકારે ઉદ્યોગ પર કોઈપણ જાતનો નવો ટેક્સ ન નાખવો
MSME ઉદ્યોગ એ એવો ઉદ્યોગ છે જે દેશમાં સૌથી વધુ રોજગારી આપે છે. તેમજ સમગ્ર માળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આ બજેટમાં MSME ઉદ્યોગ પર કોઈ નવો ટેક્સ ન નાખવામાં આવે તેવી પણ પ્રબળ માગ છે. તેમજ વધુમાં વધુ આ ઉદ્યોગને ફાઈનાન્સ સરકાર દ્વારા આપવાથી નાની નાની ઇન્ડસ્ટ્રિસને ભવિષ્યમાં બુસ્ટ પણ મળી શકશે. જેનો લાભ પણ દેશને થઈ શકશે.
કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને પશુપાલકોને ઘણી આશા અને અપેક્ષા
બનાસકાંઠાઃ કોરોનાવાયરસ ની મહામારી બાદ પ્રથમવાર કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં બજેટ ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરવામાં આવશે. દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેનાથી આવનારા સમયમાં ખેડૂતોને ફાયદો થઇ શકે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 2020/21 નું બજેટ સત્રને લઈને ખેડૂતોને ઘણી અપેક્ષાઓ છે.
ખેડૂતો અને પશુપાલકોને બજેટમાં અનેક આશા
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને પણ આ બજેટમાં અનેક આશા અને અપેક્ષા રહેલી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોના વાઈરસની મહામારીમાં જિલ્લાના ખેડૂતોને પોતાના પાકમાં પુરતા પ્રમાણમાં ભાવ નહિં મળતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ બજેટમાં તેને ધ્યાને લઇ યોજનાઓ બનાવવામાં આવે તો જ આવનારા સમયમાં ખેડૂતો ફરી એકવાર ઉભા થઈ શકે તેમ છે.
સરકારી જમીન વાવેતર માટે આપવાની જાહેરાતને લઈ ખેડૂતોમાં રોષ
આ વર્ષે જિલ્લાના ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી અને પોતાના ખેતરમાં શાકભાજી અને બટેટાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ સતત મંદીના કારણે શાકભાજી અને બટાકાના ભાવો નીચા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા તાજેતરમાં જે સરકારી જમીન વાવેતર માટે આપવાની જાહેરાત કરી છે, જેને લઇને પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જમીન માત્ર ખેડૂતોને જ મળવી જોઈએ જેથી આવનારા સમયમાં ઉદ્યોગપતિ આવી જમીન પર કબજો મેળવી ન શકે.
દૂધના યોગ્ય ભાવ ન મળતા પશુપાલકોને થઈ રહ્યું છે મોટું નુકસાન
બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે પશુપાલન સાથે પણ જોડાયેલો જિલ્લો છે અને એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે, ત્યારે દર વર્ષે પશુપાલકો મોટા પ્રમાણમાં બનાસ ડેરીમાં દૂધ ભરાવે છે, પરંતુ છેલ્લા એક વર્ષથી પશુપાલકોને દૂધના ભાવમાં વધારો ન મળતા હાલ પશુપાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પશુપાલકોને પશુઓને ખવડાવવામાં આવતું ખાણ મોંઘા ભાવે ખરીદવું પડે છે, તો બીજી તરફ દૂધના ભાવ ન મળતા પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ બાબતે પશુપાલકોને ફાયદો થાય તે માટે આ બજેટમાં યોગ્ય રજૂ કરવામાં આવે તેવી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની માંગ છે.
કેન્દ્રીય બજેટમાં શેરબજારમાં રોકાણ કરનારા રાજકોટવાસીઓની આશા-અપેક્ષા
રાજકોટઃ કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે. જેને લઈને ETV BHARAT દ્વારા રાજકોટ મારવાડી શેર એન્ડ ફાઈનાન્સના રિસર્ચ એડવાઇઝરી હેડ કૃષ્ણદાસ ગોંડલીયા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઇન્કમટેક્સ એટલે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી જ રીતે ઇન્ડિવિડ્યુઅલ ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, ત્યારે આ બજેટમાં નાના રોકાણકારો પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. આ સાથે જ નાના ટેક્સ પેયરને બજેટમાં કોઈપણ પ્રકારે રાહત આપવામાં આવશે, તો રોકાણકારો પણ ખુશ થઈ શકશે.
લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સની સમય મર્યાદા વધારવામાં આવે
શેરબજારમાં રોકાણકાર કરતા નાના રોકાણકારો કેન્દ્રીય બજેટ સાથે એવી પણ આશા રાખી છે કે, લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ જે એક વર્ષ પર લાગે છે, તેમાં રાહત આપવામાં આવે. તેમજ એવું ન થાય તો તેની સમય મર્યાદા વધારામાં આવે. આવું કરવાથી રોકાણકારોને ફાયદો થઈ શકે છે. આ સાથે ટેક્સના સ્લેબમાં પણ જો ઘટાડો કરવામાં આવે તો રોકાણકારો માટે ખૂબ જ રાહતના સમાચાર થઈ શકે છે.
કેન્દ્રીય બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગની અપેક્ષાઓ
મોરબીઃ જિલ્લાનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબરનું ક્લસ્ટર છે, ત્યારે ETV BHARATની ટીમે સિરામિક એસોસિએશન પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે GST લાગુ કર્યું, ત્યારે નેચરલ ગેસનો GST સમાવેશ કર્યો નથી. જેથી નેચરલ ગેસને GSTમાં સમાવાય આ ઉપરાંત સિરામિક પ્રમોશનલ કાઉન્સિલ અલગથી ફાળવાય તો ઉદ્યોગના વિકાસમાં ચાર ચાંદ લાગી શકે છે. આ સાથે જ સમગ્ર વિશ્વના ખરીદદારો મોરબી આવતા હોય ત્યારે ખરાબ રોડ રસ્તાથી દેશની પ્રતિષ્ઠાને હાની થાય છે. જેથી ઇન્ફ્રસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે યોગ્ય પ્લાન બનાવાય તે જરૂરી છે અને સરકાર જરૂરી સુવિદ્યાઓ અને માળખાકીય સુવિધા પૂરી પાડે તો ચીનને પણ પછાડવાનો દમ મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓમાં હોવાનું જણાવે છે.
GSTમાં રાહત આપવામાં આવે તેવી ઉદ્યોગપતિએ આશા વ્યકત કરી
બજેટ પૂર્વે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ જણાવે છે કે, ઉદ્યોગપતિ તરીકે તે ટેક્સમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. આજે મોરબી દેશમાં સૌથી મોટું ટેક્સ પેયર સેન્ટર બની ગયું છે, ત્યારે સરકાર GSTમાં રાહત આપે તે ઉપરાંત એક્સપોર્ટ કરનારા ઉદ્યોગપતિને પણ યોગ્ય પ્રોત્સાહન મળે તેવું રિફંડ આપે તે જરૂરી છે. મોરબીના ઉદ્યોગપતિઓ મોટાપાયે એક્સપોર્ટ કરીને વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. આ સાથે જ ટેક્સ પણ ચુકવે છે. જેથી ઉદ્યોગપતિઓની જરૂરિયાત અને માંગણીઓ સંતોષવામાં આવે તે ઉદ્યોગના હિતમાં છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ માટે કોરોના પછીનું બજેટ અગ્નિપરીક્ષાવાળું હશેઃ નિષ્ણાંતો
અમદાવાદઃ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ભારતનો GDP ગ્રોથ માઈનસમાં જતો રહ્યો છે. આ સંજોગોમાં પહેલી ફેબ્રુઆરી રજૂ થનારા બજેટ દેશના GDPને પ્લસમાં લાવવાનો પ્લાન રજૂ કરી શકે છે. GSTની આવક ઘટી છે, અને હવે GST સહિત કરવેરાની આવક વધે તે માટે યોજના રજૂ કરશે. નિષ્ણાંતોનો મત એવો છે કે, સરકારે કોરોના જેવા મહામારીનો સામનો કરવા માટે અને દેશને મંદીમાં બહાર કાઢવા માટે સરકારી ખર્ચ વધારવાની જરૂર છે. જો સરકાર ખર્ચ વધારશે તો જ દેશના ગરીબોની આર્થિક સ્થિતિ સુધરશે અને GDP ગ્રોથ ઝડપથી રિકવર થશે.
ફીઝકલ ડેફિસીટ વધે તો વધવા દેવી
કેન્દ્ર સરકારે આ વર્ષે નાણાકીય ખાદ્ય (ફીઝકલ ડેફિસીટ) વધે તો વધવા દેવી જોઈએ, પરંતુ સરકારે દેવું કરીને પણ સરકારી ખર્ચ વધારવાની તાતી જરૂરિયાત છે. માલેતુજારો પર ટેક્સ નાંખીને પણ આવક વધારવા નાણાં પ્રધાને આકરા પગલા લેવા પડશે. કરવેરા નિષ્ણાંતનું કહેવું હતું કે, આ બજેટમાં સરકાર પાસે ટેક્સમાં રાહતની આપણે કોઈ આશા રાખતા નથી, પરંતુ કરવેરામાં સરળીકરણની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ.
માલેતુજારો પર ટેક્સ વધુ નાંખવો
બીજી તરફ નાણાં પ્રધાન આ વખતના બજેટમાં વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં કોઈ વધારો નહીં કરે તેમજ GSTના ચાર સ્લેબ છે, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. જે સ્લબ 3 કરવાની માગ હતી. પણ આ બજેટમાં GSTના સ્લેબમાં ધટાડો થાય તેવી શક્યતા નથી. નાણાં પ્રધાન માલેતુજારો પર કોરોના નામે સરચાર્જ નાંખી શકે છે અથવા કોઈ નવો ટેક્સ લાદી શકે છે. કેન્દ્ર સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભારતની ઈકોનોમી 5 ટ્રિલિયન યુએસ ડૉલર કરવાનું સ્વપ્ન હાલ પુરતુ તો રોળાયું છે, પણ આઈએમએફે કહ્યું છે કે 2021ના વર્ષમાં ભારત ડબલ ડીજીટમાં ગ્રોથ હાંસલ કરશે.
કેન્દ્રીય બજેટમાં વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોની આશા-અપેક્ષાઓ
વલસાડ: વર્ષ 2021/22નું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, ત્યારે ગત વર્ષના બજેટની સરખામણીએ આ વખતના બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે કેવી રાહતો મળે તે અંગે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણીઓએ ETV BHARATના માધ્યમથી પોતાની અપેક્ષાઓ રજૂ કરી હતી.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ધ્યાને રાખી ખાસ રાહત પેકેજની આશા
આ બજેટમાં વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોને ખૂબ આશાઓ છે. આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મૃત:પાય અવસ્થામાં છે. ડીઝલના ભાવ, ટાયરના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ભાડાના ભાવમાં વધારો પણ કરી શકતા નથી. જેથી સરકાર પાસે આશા છે કે, આ બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ધ્યાને રાખી ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે.
એડવાન્સમાં વાર્ષિક ટોલ-ટેક્સ ભરવાની સુવિધા
આ ઉપરાંત ગત બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ગતિ આપવા માટે દરેક રાજ્યમાં ટ્રક ડ્રાઈવરો માટે ટ્રેનિંગ સ્કૂલ ખોલવાની જાહેરાત કરી હતી, જે હજુ સુધી ફળીભૂત થઈ નથી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં હાલમાં 30 ટકા ડ્રાઈવરોની ઘટ વર્તાઈ રહી છે. આ સાથે જ ટોલ-ટેક્સ માટે ફાસ્ટેગ સિસ્ટમ અમલી બનાવી છે, પરંતુ તેમાં હજુ પણ વાહનોની કતારો લાગે છે. જેથી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોએ જે રીતે અન્ય ટેક્ષ વાર્ષિક ફી મુજબ વસુલ કરવામાં આવે, તેવી રીતે ટોલ-ટેક્સને પણ એડવાન્સ કરી વાર્ષિક કરવાની માગ કરી છે.
ઇ-વે બિલની સમય મર્યાદા વધારવા કરી માગ
આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જીવના જોખમે ટ્રાન્સપોર્ટ સેવા આપનારા ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવરો માટે સરકારે કોઈ જ સુવિધા આપી નથી. દિવસેને દિવસે ટ્રાન્સપોર્ટની અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી છે. હાલમાં જે ઇ-વે બિલ અમલમાં આવ્યું છે, તેમાં પણ સરકારે સમય મર્યાદા ઘટાડી વધુ એક માર આપ્યો છે. જેથી ઇ-વે બિલની સમય મર્યાદા ઘટાડવાથી ટ્રાન્સપોર્ટરોને લાખોની પેનલ્ટી ભરવી પડી રહી છે. જે માટે તેમાં સમય મર્યાદા વધારવામાં આવે. આ સાથે જ TDSની સમસ્યામાં રાહત આપવામાં આવે.
દૈનિક 5,000થી વધુ ટ્રાન્સપોર્ટ વાહનોની અવર-જવર
ઉલ્લેખનીય છે કે, વાપી, સરીગામ, ઉમરગામ, દમણ, દાદરા નગર હવેલીમાં અંદાજે 10,000થી વધુ ઉદ્યોગો ધમધમે છે. જેમાં દૈનિક 5,000થી પણ વધુ ટ્રાન્સપોર્ટ વાહનોની અવર-જવર છે. આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આ પ્રકારના ઉદ્યોગો માટે જીવાદોરી સમાન છે, ત્યારે આ વખતના કેન્દ્રીય બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ગાડી પાટા પર ચડી શકે તેવી જાહેરાતની આશા અપેક્ષાઓ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ સેવી રહ્યા છે.
તજજ્ઞો પાસેથી જાણીએ કે બજેટમાં શું સુધારા હોવા જોઈએ
અમદાવાદ: ગત વર્ષ એટલે કે 2019-20 માં 30.42 કરોડનું બજેટ મુકાયું હતું. જે 2018-19ની સરખામણીએ 12 ટકા વધુ હતું. આવનારા બજેટ સાથે દેશના દરેક વ્યક્તિની આશાઓ એટલા માટે વધુ પ્રબળ બની છે કારણ કે લોકડાઉનને કારણે મોટાભાગનાં લોકો બેરોજગાર થયા છે. વર્ષ 2021-22નાં બજેટને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે બે તજજ્ઞો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે બજેટમાં કેવા સુધારા હોવા જોઈએ અને બજેટ પાસેથી શું આશા રાખી શકાય?
કોરોનાને કારણે પડી ભાંગેલા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉભી કરવી જોઈએ
ટેક્સ એક્સપર્ટ ધીરેશ શાહનું કહેવું છે કે, નવા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી અને ઝડપથી પ્રોસેસ પૂરી થાય તે માટેનો સહકાર સરકારે આપવો જોઈએ. આ ઉપરાંત રોજગારીની તકોમાં પણ વધારો થવો જોઈએ. અમદાવાદનાં ચાર્ટર્ડ કાઉન્ટ સુનીલ તલાટી કહે છે કે, ટેક્સ સ્લેબમાં કોઈપણ ફેરફારની જરૂર નથી. નવા બજેટમાં ટેક્સમાં વધારો કરવાની પણ જરૂર નથી. તેની સામે હોટેલ્સ અને ટુરીઝમ સેક્ટર્સમાં કે જ્યાં કોરોનાને કારણે માઠી અસર થઇ છે તેવા સેક્ટર્સમાં રોજગારીની તકો જેમ બને તેમ વધુ ઉભી કરવી જોઈએ.