ગાંધીનગર : રાજ્યમાં પશુ સંચાલકો અને ગૌશાળા સંચાલકો દ્વારા છેલ્લા કેટલાય દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું હતું. આ સાથે ડિસેમ્બર સુધી રાજ્ય સરકાર પશુદીઠ સહાય આપે તેવી માગ પણ કરવામાં આવી હતી. જ્યારે સરકારમાં નહીં સ્વીકારે તો પશુઓને રોડ પર ખુલ્લા મૂકી દેવાની ચીમકી પશુ સંચાલકો અને ગૌશાળા સંચાલકો દ્વારા આપવામાં આવી હતી.
મંગળવારે રાજ્યના પૂર્વ પ્રધાન શંકર ચૌધરીની મધ્યસ્થીથી મળેલી બેઠકમાં આંદોલન સમેટી લેવાની વાત આંદોલનકારીઓએ કરી હતી. જે બાદ બુધવારે રાજ્ય સરકારે પણ ડિસેમ્બર અંત સુધી પશુદીઠ 25 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
પશુદીઠ આર્થિક સહાયની જાહેરાત બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મંગળવારે ગૌશાળા સંચાલકો અને મારી વચ્ચે રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની મધ્યસ્થીથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંચાલકોની માંગણી હતી કે, પશુઓ માટે ડિસેમ્બર સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે.