ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે મહાત્મા મંદિર ખાતે કુલ 50 જેટલા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, પરંતુ હજુ સુધી રાજ્ય સરકારે બાકીના નાણા મહાત્મા મંદિરને ચૂકવ્યાં ન હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું હતું. છેલ્લાં બે વર્ષમાં રાજ્ય સરકારને ૪૫ લાખથી વધુની રકમ મહાત્મા મંદિરને ચૂકવવાની બાકી હોવાનું વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવ્યું હતું.
રાજ્ય સરકારે મહાત્મા મંદિરમાં 50 કાર્યક્રમ કર્યા, પણ હજુ 45,49,928 ચૂકવણું બાકી પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહાત્મા મંદિરમાં થયેલા કાર્યક્રમ બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ખાનગી કાર્યક્રમો કેટલા આયોજન કરવામાં આવ્યા છે તે અંગેની વિગત માંગવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખાનગી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કેટલા રૂપિયાની વસૂલાત બાકી છે તે અંગેના પણ પ્રશ્નો કર્યા હતાં. જેમાં રાજ્ય સરકારે જ લેખિતમાં જવાબ આપ્યો હતો કે વર્ષ 2018માં રાજ્ય સરકારે 22 કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. જ્યારે વર્ષ 2019માં 28 જેટલા કાર્યક્રમોનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. બે વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈપણ પ્રકારનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે કર્યો ન હોવાનું પણ રાજ્ય સરકારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા 50 જેટલા કાર્યક્રમોમાં રાજ્ય સરકારે હજુ પણ મહાત્મા મંદિરને બાકીની રકમ ચૂકવી નથી. જેમાં કુલ 45 લાખથી વધુની રકમ બાકી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018ની જો વાત કરવામાં આવે તો સરકારને 22,88,170 અને વર્ષ 2019માં 22,61,758 રૂપિયા ચૂકવવાના બાકી છે.
ખાનગી આયોજકો દ્વારા વર્ષ 2018માં 29 કાર્યક્રમો અને વર્ષ 2019માં 34 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી આયોજકોને વર્ષ 2018ના 5,17,726 અને વર્ષ 2019માં 1,63,799ની રકમ બાકી હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું હતું. જ્યારે સરકાર અને ખાનગી આયોજકો પાસે બાકી નીકળતી રકમમાં મહાત્મા મંદિર મેનેજમેન્ટ દ્વારા બાકી રકમની વસૂલાત કરવા માટે પત્રવ્યવહાર કરવામાં પણ આવ્યો હોવાનું વિધાનસભા ગૃહમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.