વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગની 10058.40 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરી હતી. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય રસ્તાઓને સુદ્રઢ બનાવવામાં માટે 2569.41 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
તો આ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોને વધુ સમૃદ્ધ બનાવવા માટે મુખ્યપ્રધાન રૂપાણીએ મુખ્યપ્રધાન સડક યોજના જાહેર કરી છે. જે હેઠળ 34,000 ગામોને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં 10243 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. વર્ષ 2019-20માં 2569.41 કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં 6950 કરોડ રૂપિયાના 19630 કિ.મી. લંબાઇના 7316 રસ્તાના કામો પૂર્ણ કરાયા છે. 4395 કરોડ રૂપિયાના 10255 કિ.મી. લંબાઇના 3908 રસ્તાના કામો પ્રગતિમાં છે.
તો આ અંગે વધુમાં તેમણે કહ્યું છે કે, રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા સેવા સદનો, તાલુકા સેવા સદનો, અન્ય કચેરીઓ અને આવાસો અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમદાવાદમાં 135 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ સરકારી કર્મચારીઓના આવાસો માટે 45 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.
નીતિન પટેલે શહેરી વિસ્તારના 40 ધારાસભ્યોને વિકાસ કામો માટે રૂ.2 કરોડની મહત્વપૂર્ણ જાહેરાત માર્ગ - મકાનના અંદાજપત્રની ચર્ચામાં કરી છે. આ રકમ સંબંધિત કોર્પોરેશનને હવાલે મુકવામાં આવશે. જ્યારે રાજ્યના જે વિસ્તાર 100 % શહેરી વિસ્તાર છે. તેની માટે આ રકમ સંબંધિત વિસ્તારના ધારાસભ્યો માટે ફાળવવામાં આવી છે.
જ્યારે સમગ્ર રાજ્યમાં યાત્રાધામો સહિત વધુ ટ્રાફિકને સરળ કરવા માટે ચારમાર્ગીય રસ્તાઓ અને અન્ડરપાસની વ્યાપક પ્રમાણમાં મંજૂરીઓ આપી છે. સાથો-સાથ દક્ષિણ ગુજરાત સહિત વધારે પ્રમાણમાં વરસાદ પડે છે. ત્યારે કોઝ-વેમાં પાણી ભરાય છે. આ કોઝ-વેની જગ્યાએ મોટા પુલ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
જાણો કઈ જગ્યાએ નવા રોડ અને પુલ બનશે.
- મહેસાણા-મોઢેરા રોડ, ડીસા-લાખણી બાયપાસ રોડ, સાયલા-સુદામડા-પાળીયાદ રોડને ચારમાર્ગીય અને બગોદરા-તારાપુર-વાસદ રોડ 6 માર્ગીય કરાશે.
- રાજ્યના 808.58 કિ.મી.ના માર્ગોને 1261 કરોડ રૂપિયાના ખર્ચે 10 મીટર પહોળા કરાશે.
- રાજ્યમાં 52 પુલોના નિર્માણ માટે 1206.82 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
- ખાસ અંગભૂત યોજનાના કામો માટે 520 કરોડ રૂપિયા : સુવિધાપથ માટે 73 કરોડ રૂપિયા : ગ્રામ્ય માર્ગો પર નાળા/પુલો માટે 87 રૂપિયા કરોડ
- રાજ્યમાં નવા 68 રેલ્વે ઓવરબ્રીજ મંજૂર : 3470 કરોડ રૂપિયા ખર્ચાશે
- અમદાવાદ-શંખેશ્વર રસ્તા પર પગદંડી માટે 6.70 કરોડ રૂપિયા
- અમદાવાદ ખાતે આવાસો નિર્માણ માટે 45 કરોડ રૂપિયા