ગાંધીનગર: માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યના કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી.
ધોરણ 10 બોર્ડના પરિણામ બાબતે શિક્ષણ વિભાગના અધિકારી એમ.એમ પઠાણે જણાવ્યું હતું કે, ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ ફક્ત ઓનલાઇન જ જાહેર કરવામાં આવશે. જેથી કોઈપણ વિદ્યાર્થી અને વાલીઓએ શાળાએ જવું નહીં.
જ્યાં ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી એટલે કે, ઘરેથી અથવા તો મોબાઈલ પરથી પરિણામ જોઈ શકાશે, જ્યારે 15 દિવસ બાદ માર્કશીટ વિતરણ કરવામાં આવશે. તે પણ જે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે આયોજન કરવામાં આવે તે પ્રમાણે જ માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટ વીરપુર હાઇવેના ગોમટા ચોકડી પર વિજ્ઞાન વિષયના પેપર પડી ગયા હતા. તેમાં સરકારે નિયમ મુજબ માર્ક્સ આપ્યા હોવાનું એમ.એમ. પઠાણે જણાવ્યું હતું.