ગાંધીનગર નજીક આવેલા રૂપાલના વતની ધનજી ઓડનો દાવો છે કે તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે અને તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. લોકોની બીમારી, નોકરી, લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી મા રાખ્યું છે અને તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે.

ઢબુડી મા રાજ્યના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે. ત્યાર બાદ ઢબુડી મા નક્કી કરેલા સમયે ત્યાં પહોંચે છે. જ્યાં ઘનજી ઓડ માથા પર ચુંદડી ઓઢી ધૂંણવા લાગે છે. અનેક શહેરોમાં દિવસ નક્કી કર્યા બાદ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માં પડાવ નાખતો હતો. જ્યાં હજારો ભક્તો પોતાની પીડા દૂર કરવા માટે લાઈન લગાવતા હતાં. ઢબુડી મા તેમના ભક્તોને ચુંદડીમાં જ દર્શન જ આપતા હતાં. તેમનો સાચો ચહેરો જોવા મળ્યો ન હતો ત્યારે ચુંદડીની આડમા મોઢું સંતાડતા ઢબુડી માનો ચહેરો હવે સામે આવી ગયો છે.
પેથાપુર પોલીસમાં ગઢડાસ્વામીના ભીખાભાઈ માણીયા દ્વારા ઢબુડી મા સામે કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી છે, ત્યારે પોલીસ પણ હવે ઢબુડી મા સામે નોટિસ ઈશ્યુ કરશે. ત્યારબાદ ઢબુડી મા સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. અત્યાર સુધી હજારો ભક્તોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે આગળના સમયમાં અન્ય ભક્તો પણ ફરિયાદ નોંધાવે તો નવાઈ નહીં.