ગાંધીનગરઃ કોરોના વાઇરસના આંકડા રાજ્યમાં સતત વધી રહ્યાં છે. જિલ્લા તંત્રને રાજ્યના તંત્ર વચ્ચે મોટી ખાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોવીસ કલાક પછી આપવામાં આવેલા આંકડામાં વિસંગતતાઓ સામે આવી રહી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અગ્ર સચિવ દ્વારા કહેવામાં આવે છે કે, તે જ પૂરી થયા બાદ તેમના અધિકારીઓ આંકડા આપશે, પરંતુ ત્યારબાદ અધિકારીઓ પર હાથ ખંખેરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા સતત વિવિધ લાઈવ કોન્ફરન્સ કરવામાં આવે છે. દેશની જનતા સામે સાચું ચિત્ર રજૂ કરે છે, પરંતુ અધિકારીઓ તેમના કર્યા પર પાણી ફેરવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 191 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 169 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરિયાપુર, ઇસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, કાલુપુર, ખાડિયા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, થલતેજ, રાણીપ અને દાણીલીમડાનો સમાવેશ થાય છે.
સુરતમાં 06, વડોદરામાં 5 કેસ નોંધાયા છે. કુલ 15 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 7 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2815 કેસ નોંધાયા છે. જેમાં 29 વેન્ટિલેટર પર છે અને 2394 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1821 કેસ નોંધાયા છે. 265 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા નાગરિકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તેવા સઘન ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખ 37 હજાર આયુર્વેદિક ઉકાળો, 3 લાખ 28 હજાર જેટલી આયુર્વેદ સમસમવટી ગોળી અને 82 લાખ જેટલી હોમીયોપેથી દવાઓનું વિતરણ લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ અત્યાર સુધીમાં 43822 ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 2815 કેસ પોઝિટિવ આવ્યા છે.