સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની કેટલીક શાળાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકાવવા માટેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં 36 કોચ અને 139 ટ્રેનર પાંચ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. પરંતુ, આ તમામ કોચ અને ટ્રેનરને એસીના અગ્ર સચિવ સી.વી.સોમ દ્વારા રાતો રાત છૂટા કરી દેવામાં આવ્યા છે. તાલીમ આપતા કોચને કયા કારણસર છૂટા કરવામાં આવ્યા તે અંગે કોઈ ચોક્કસ કારણ પણ આપવામાં આવતું નથી. પરંતુ, તુંડ મિજાજી સી.વી.વી સોમના એક નિર્ણયના કારણે 175 તાલીમી કોચ અને પ હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું થઈ શકે છે.
સચિવના નિર્ણયના પરિણામે 36 કોચ અને 139 ટ્રેનરને રાતોરાત છુટા કરી દેવાતાં ગાંધીનગર જુના સચિવાલય ખાતે આવેલી કચેરીમાં ધામા નાખ્યા હતાં. અગ્ર સચિવ સી.વી. સોમ અગાઉ અનેક વખત વિવાદોમાં સપડાયા છે. પુરવઠા નિગમમાં એમડી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે સેક્ટર21 પેટ્રોલ પંપ ઉપર કામગીરી કરતા એક કર્મચારીને માર મારવાની પણ ફરિયાદ તેમના વિરુદ્દ નોંધાઈ હતી.
બોટાદ હાઈસ્કૂલમાં તાલીમ આપતા કોચ કરણ પુરીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં ડીએલએસએસ કોચને છુટાં કરી દેવામા આવ્યાં છે. શાળામાં પી.ટી. પ્લેયર નહી હોવાના બહાના હેઠળ છુટાં કરી દેવાયા છે. કોચ અને ટ્રેનરને એકાએક છુટાં કરાતાં ખાનગી શાળાઓના 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને હાલાકી પડશે. જ્યારે છુટા કરાયેલા તમામ કોચ અને ટ્રેનર 1 માસથી 4 વર્ષ સુધીના સમયથી ફરજ બજાવતા હતાં. જો વિભાગ દ્રારા નિર્ણય પરત લેવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે સ્પોર્ટસ ઓથોરિટી તથા રમતગમત પ્રધાનને રજૂઆત કરવામાં આવશે. રાજ્ય સ્તરે ન્યાય નહિ મળે તો વડાપ્રધાનને પણ રજૂઆત કરવામા આવશે.