ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળામાં બાળકોને રમવા માટે મેદાન હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જે આંકડો સામે મૂક્યો છે તેમાં રાજ્યની કુલ 4612 શાળામાં મેદાન જ નહિ હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું છે.
વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની સરકારી શાળામાં મેદાન છે કે નહીં તે અંગે સવાલ ઉભો થયો હતો. જેમાં રાજ્ય સરકારે પ્રશ્નોત્તરીમા લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 4612 શાળાઓમાં મેદાન જ નથી. 261 શાળામાં મેદાન છે. જ્યારે સૌથી વધુ દાહોદ જિલ્લાની 372 શાળામાં મેદાન ન હોવાનું સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની સ્થિતિમાં રાજ્યની 7209 શાળામાં મેદાન ન હતા. જ્યારે બે વર્ષમાં રાજ્યની 2597 જેટલી શાળાઓમાંથી મેદાન જ ગાયબ થઇ ગયા હોવાનું પણ વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું હતું.
જ્યારે વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન ગૃહની વિશ્વસનીયતા પર પણ સવાલ કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય ઉજવશે ઉઠાવ્યા હતા. કે શિક્ષણ વિભાગ ખોટી માહિતી લઈને વિધાનસભા ગૃહમાં આંકડા રજૂ કર્યા છે. વિધાનસભામાં પૂછાયેલા ખોટા જવાબ રજૂ કરે છે તેવા પણ આક્ષેપ કર્યા હતા. વર્ષ 2017માં આણંદની 164 શાળામાં મેદાન ન હોવાનો સરકારે ગ્રુપમાં જવાબ રજૂ કર્યો હતો. જ્યારે વર્ષ 2019માં આણંદની 164 શાળામાં મેદાન હોવાનો શિક્ષણ વિભાગે જવાબ રજૂ કર્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યે વિધાનસભા ગૃહને ખોટા જવાબ રજૂ કરીને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જેમાં આ આક્ષેપો સામે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બચાવની મુદ્રામાં આવ્યા હતા. તમામ જવાબોની ચકાસણી કરવાની ગૃહને બાહેંધરી પણ આપી હતી.