રાજ્યના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરાય તે માટે ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 9,713 લોકરક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયાની શારિરીક કસોટી ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ હતી. ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં લોકરક્ષક ભરતી બોર્ડનાં ફાઈનલ પરિણામમાં 8,135 ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર, જ્યારે બાકી ઉમેદવારોને વેઈટિંગમાં રાખવામાં આવ્યા છે. સાથે જ 7,618 LRD અને 517 જેલ સિપાહીની યાદી પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા 3,150 અન-આર્મ્ડ લોકરક્ષક, 6,009 આર્મ્ડ લોકરક્ષક(SRP), 499 પુરૂષ જેલ સિપાઇ, 55 સ્ત્રી જેલ સિપાઇ કુલ મળીને 9,713 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. અનુસૂચિત જનજાતિના 2,061 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઇ છે. આમ હવે પરિણામ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં પાસ થયેલ ઉમેદવારોને નિમણૂકપત્ર આપીને તાત્કાલિક ધોરણે નોકરી પર હાજર કરાશે.