ગાંધીનગર LCB PI જે. જી. વાઘેલાની ટીમના કોન્સ્ટેબલ અનોપસિંહ તથા અનુપસિંહને એક યુવક નકલી આઈકાર્ડ બનાવી Dyso તરીકે રૌફ જમાવતો ફરે છે તેની માહિતી મળી હતી. જેના આધારે LCBએ સેક્ટર-3-બી પ્લોટ નં-1386/1 ખાતે ભાડેથી રહેતા રમેશ ચૌધરીને ઝડપી લીધો હતો. જેની પાસેથી મીનીસ્ટ્રી ઓફ અફેર્સ વિભાગના ડેપ્યુટી SO તરીકેનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જેને પગલે LCBએ સામાન્ય વહીવટી વિભાગમાં આઈકાર્ડ ખરાઈ માટે મોકલી આપ્યું હતું.
જેમાં આઈકાર્ડ ખોટું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે LCBએ યુવક સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં કલમ 170 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી યુવકે માત્ર રૌફ જમાવવા જ આ કારસ્તાન કર્યું છે કે તેને ખોટા આઈકાર્ડથી મદદથી કોઈ છેતરપીંડી કે આર્થિક લાભ મેળવ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીનગર રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. જો કે, છેલ્લા એકાદ વર્ષથી તે Dysoનું નકલી કાર્ડ બનાવી રૌફ જમાવતો હતો. તે પોતાના વિસ્તારના કે પરીક્ષાની તૈયારીઓ કરતાં યુવકો સાથે શેરિંગમાં ભાડે રહેતો હતો અને ભાંડો ન ફૂટે તે માટે 2-2 મહિને ઘર અને રૂમ પાર્ટનર બદલી નાખતો હતો. તેની પાસેથી GJ-10-CG-5811 નંબરની એક કાર મળી આવી છે. જેના પાછળ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખાવેલું હતું.