- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- સીએમ ડેશબોર્ડની ભૂમિકા, કામગીરીનો SPIPA ના તાલીમ કોર્ષમાં સમાવેશ
- ગુડગવર્નન્સને વધુ મજબૂત બનાવવા રાજ્યના અધિકારીઓને સીએમ ડેશબોર્ડની કામગીરી સાથે જોડાશે
- SPIPA ના અધિકારીઓની સીએમ ડેશબોર્ડ ગાંધીનગર ખાતે યોજાઈ એક દિવસ તાલીમ
- રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી સાથે જોડવાના હેતુ
ગાંધીનગર: સુશાસન - ગુડ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારના અધિકારીઓને હવે સીએમ ડેશબોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી સાથે જોડવાના ઉમદા હેતુથી SPIPAના તાલીમ અભ્યાસક્રમમાં સીએમ ડેશબોર્ડની ભૂમિકા- કામગીરીને સમાવવામાં આવશે. સીએમ ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની સમગ્રતયા કામગીરીથી માહિતગાર કરવા SPIPA દ્વારા અધિકારીઓને અપાતી તાલીમમાં ડેશબોર્ડના કયા કયા ઇન્ડિકેટર્સનો સમાવેશ કરવા સહિતની કામગીરી સમજવા ગઈકાલે સોમવારે SPIPAના અધિકારીઓનો સીએમ ડેશબોર્ડ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
સ્પીપાના અધિકારીઓને આપવામાં આવી માહિતી
આ તાલીમ કાર્યક્રમમાં ઉદ્ઘા્ટન સત્રમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ખાસ ફરજ પરના અધિકારી ડી.એચ.શાહે સીએમ ડેશબોર્ડની કામગીરી, રિયલ ટાઇમ મોનિટરીંગ સિસ્ટમ, ગુડ ગવર્નન્સમાં ડેશબોર્ડની ભૂમિકા, રાજ્યકક્ષાની અને જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓ સાથે સીએમ ડેશબોર્ડનું સંકલન- જોડાણ સહિતની કામગીરીથી SPIPAના અધિકારીઓને માહિતગાર કર્યા હતા.
આખુ ગુજરાત ફક્ત એક ક્લિક પર
ગુજરાતમાં 26 સરકારી વિભાગો, અંબાજીથી ઉમરગામ અને કચ્છથી દાહોદ સુધીના તમામ 33 જિલ્લા, 249 તાલુકા, શહેરો અને 18,000 થી વધુ ગામડાઓમાં- છેવાડાના વિસ્તારોમાં યોજનાના લાભો, વિકાસના કામો-ફળ ક્યારે, કેવી રીતે કોને મળ્યા છે, પહોંચ્યા છે કે નહીં તેની જાણ કેવી રીતે થાય, તેના હકીકતલક્ષી પ્રતિભાવો કેવી રીતે સીધી વાત કરીને સેંકડોમાં જ ક્લિકથી મેળવી શકાય ?
વહીવટ માટે 5C ઉપયોગી
કુશળ વહીવટ માટે નિર્ધારિત ચાર સ્તંભ- પારદર્શકતા, પ્રગતિશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતા અને ““5C” – Command, Control, Computers, Communications, Combat કોન્સેપ્ટ પર આધારિત, નવીનતમ ડિજિટલ ટેકનોલોજીથી કાર્યરત સીએમ ડેશબોર્ડ વિઝનને પરિપૂર્ણ કરે છે. રાજ્યમાં કુશળ વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, જનહિતલક્ષી યોજનાઓની રીયલટાઈમ માહિતીની સાથે સાથે તેની ઉત્તરોત્તર પ્રગતિ અને લાભાર્થીઓનો ફીડબેક લેવા તથા બહુઆયામી વિકાસ યોજનાઓનું સતત મોનીટરીંગ કરવા સીએમ ડેશબોર્ડ અને તેની સાથે જોડાયેલ જનસંવાદ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓના અંદાજે ચાર લાખ લાભાર્થીઓ સાથે સીધી ટેલિફોનિક વાત કરી માહિતી મેળવવામાં આવી છે.
સીએમ દ્વારા રાજ્યના તમામ મહત્વપૂર્ણ અધિકારીઓના વહીવટી કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે
સીએમ ડેશબોર્ડ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લા અને અલગ અલગ તમામ વહીવટી વિભાગ તેની યોજનાઓને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પર 3400 પૂર્વ નિર્ધારિત ઈન્ડીકેટર્સ દ્વારા મોનીટર કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પરથી જ સીએમ રૂપાણી દ્વારા રાજ્યના તમામ મહત્વપૂર્ણ અધિકારીઓના વહીવટી કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અધિકારીઓને તેમના પરફોર્મન્સના આધારે અંક રેન્કિંગ આપવામાં આવે છે જે અંકોના આધારે A+, A, B અને C ગ્રેડ આપવામાં આવે છે.
18 જેટલા અધિકારીઓને અપાઈ તાલીમ
SPIPA અમદાવાદ અને ગાંધીનગર મુખ્ય 18 જેટલા અધિકારીઓની ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં સીએમ ડેશબોર્ડની કામગીરીથી માહિતગાર કર્યા હતા અને તાલીમ અભ્યાસક્રમમાં કઇ કઇ બાબતોનો સમાવેશ કરવો તેની ચર્ચા વિચારણા કરી હતી.