ગાંધીનગરઃ સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહેતાં ધર્મેન્દ્રસિંહ રામસિંહ રાઓલ ઈન કેબલ એજન્સી ધરાવે છે. બુધવારે સવારે તે ઘર બહાર હતા ત્યારે એક કારમાં 8 જેટલા શખ્સો આવ્યા હતા. જેઓ બળજબરીપૂર્વક ધર્મેન્દ્રસિંહને ગાડીમાં બેસાડીને ઉઠાવી ગયા હતા.
આ ઘટનાને પગલે બુમાબુમ થતા ધર્મેન્દ્રસિંહના પિતા અને ભાઈ સહિતનો પરિવાર બહાર દોડી આવ્યો હતો. તેઓએ અપહરણકારોનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ 8 શખ્સમાંથી એક શખ્સ પાસે બંદૂક અને છરો બતાવી બધાને મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના ધર્મેન્દ્રસિંહના ઘર બહાર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી.
અપહરણકારો 8 કલાક બાદ 12:30 વાગ્યા આસપાસ ધર્મેન્દ્રસિંહને ઘર પાસે જ ઉતારીને જતા રહ્યાં હતા. ઈજાગ્રસ્ત થયેલા ધમેન્દ્રસિંહ હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. આ કેસમાં ભાવિકાબેન ધમેન્દ્રસિંહ રાઓલની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સારવાર હેઠળ રહેલાં ધમેન્દ્રસિંહે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કયા કારણોસર મારું અપહરણ થયું તેની ખબર નથી, પરંતુ મને એક બંગલા જેવા સ્થળે લઈ જવાયો ત્યાં હિરેન સોલંકી હાજર હતો. તેઓએ મને મારમારીને મારું ગુપ્તાગ કાપી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં મને ઈજા પણ થઈ છે. તેઓએ કેટલા કાગળો પર મારી સહી અને અંગુઠા લઈ લીધા છે. હજુ સુધી અપહરણ કરનાર શખ્સો કોણ છે તે કોઈ ઓળખી શકતું નથી ત્યારે કોણે અપહરણ કર્યું? કેમ કર્યું? અને કયા કારણસર કર્યું? તે મહત્વનો કોયડો બન્યો છે.