ગાંધીનગર શહેરના સેક્ટર 13માં આવેલા ચાણક્ય ભવન ખાતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારોની એક મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. જેમાં અલગ-અલગ જીલ્લાના હોદ્દેદારો સાથે કાયઝાલા એપ અને BLOની કામગીરી સહિત અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે માઈક્રોસોફ્ટ દ્વારા કાયઝાલા એપ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે માઈક્રોસોફ્ટના અધિકારીઓ સર્વ શિક્ષા અભિયાન અધિકારીઓ અને ફેસબુકના અધિકારીઓ દ્વારા બેઠકમાં હાજર રહેલા હોદ્દેદારોને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી પુરી પાડવામાં આવી હતી.
જેમાં દિવસના અંતે તમામ હોદ્દેદારો દ્વારા કાયદા અને BLOની કામગીરીના બહિષ્કાર બાબતે એક સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેટલાક જીલ્લાના હોદ્દેદારોએ કહ્યું કે, કાયઝાલા એપ શિક્ષકોની પ્રમાણિકતા ઉપર શંકા કરવા બાબતનો પ્રશ્ન છે. સરકાર દ્વારા બાયોમેટ્રિક સિસ્ટમ લાવવામાં આવ્યું હોવા છતાં શિક્ષકોની પ્રામાણિકતા ઉપર વારંવાર સવાલો ઉભા કરી રહી છે. ત્યારે આ એપનો ઉપયોગ કોઈપણ ભોગે કરવામાં નહિ આવે. આ બાબતે રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, આજે અલગ-અલગ જિલ્લાના હોદ્દેદારોને બોલાવેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, કાયઝાલા અને BLOની કામગીરી આ સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે. જ્યારે અન્ય મુદ્દા ઉપર અમારી ચર્ચા હજુ પણ ચાલી રહી છે.