ગાંધીનગર : સીએમ વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇ.જી સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. જેમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-દેખરેખ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં સોંપેલી જવાબદારી સંભાળતા ઉચ્ચ સચિવો પણ બેઠકમાં જોડાયા હતા. આ અધિકારીઓ સાથે આગામી તારીખ 17મી મે પછી લોકડાઉનની સ્થિતીમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે.
સીએમ રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ તેમજ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત અન્ય સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રાજ્ય મંત્રી મંડળના પ્રધાનો પણ સંબંધિત જિલ્લા મથકેથી આ વીડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.