લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે દહેગામ તાલુકાના સોગઠી વાસણા ગામમાં એક સમાજમાં દીકરીને પરણાવવાની તૈયારીઓ થઇ રહી હતી, આંગણે વરરાજા જાજેરી જાન લઈને આવી ગયા હતા. કન્યાની પીઠી લગાવવાની તેને તૈયાર કરવામાં આવી રહી હતી.
તે જ સમયે જેનું લગ્ન હતા તે કન્યાએ પોતાના પરિવારજનોને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જાનૈયાઓ એક તરફ ડીજેના તાલે ડાન્સ કરી રહ્યા હતા. વરરાજા પ્રણવના કોડ સાથે ઘોડે ચડ્યા હતા. તેવા સમયે કન્યાએ લગ્નની ના પાડતાં પરિવાર અને જાનૈયાઓ મુસીબતમાં મુકાઈ ગયા હતા.
આંગણે જાન આવી ગઈ હોય અને લગ્નની ના પાડી હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો હશે. લીલા તોરણે જાન પાછી ન જાય તે માટે પરિવારજનોએ વિચારણા હાથ ધરી અને અંતે કન્યાની કાકાની દીકરીને તાત્કાલિક સમજાવીને વરરાજા સાથે ચોરીના ચાર ફેરા ફરાવ્યા હતા. જ્યારે લગ્ન માટે ના પાડનાર કન્યાને પહેલા દહેગામ પોલીસ સ્ટેશન અને ત્યારબાદ અભયમની ટીમ લઈ ગઈ હતી.