ગાંધીનગર : ગુજરાતમાં સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમમ’ કાર્યક્રમના શુભારંભ આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. સોમનાથના વતની પણ સદીઓથી તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રિયન તમિલ લોકોના ઉષ્માપૂર્ણ સ્વાગત માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહેલી જોવા મળી છે. તામિલનાડુથી 17 એપ્રિલે ગુજરાત પધારનારા આ મહેમાનો માટે વિવિધ મંદિરોની તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
હર અને હરિની ભૂમિ : સદીઓ બાદ માદરે વતન પધારતાં તામિલનાડુમાં વસતા ગુજરાતી સમુદાયને ‘હર’ અને ‘હરિ’ની ભૂમિ એવા વેરાવળ-સોમનાથમાં સ્થિત વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવશે. ભારતનું સૌપ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન અને સોમનાથના પવિત્ર યાત્રા સ્થળનો વિકાસ જોશે. પહેલાનું સોમનાથ અને અત્યારનું સોમનાથ, યાત્રિકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ભાલકા તીર્થમાં પણ નવું મંદિર બની રહ્યું છે. યાત્રાધામ વિકાસમાં સોમનાથનું સ્થાન પ્રથમ છે.
સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને તેમની ગુજરાત યાત્રા દરમિયાન સૌથી પહેલા પ્રથમ જ્યોતિર્લિંગ લઈ જવામાં આવશે. જ્યાં તેઓ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ 17મી સદીમાં અહલ્યાબાઈ હોલકર દ્વારા નિર્મિત જૂના સોમનાથ મંદિરે દર્શન માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ તેઓને શ્રીરામજી મંદિર, ત્રિવેણી સંગમ, ગીતામંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, બલરામજીની ગુફા, હિંગળાજ માતાજીની ગુફા અને પૌરાણિક સૂર્ય મંદિરની તીર્થયાત્રા પણ કરાવવામાં આવશે.
બે સ્પેશિયલ ટ્રેન સોમનાથ આવશે : અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મદુરાઈ અને ત્રિચીથી બે સ્પેશિયલ ટ્રેન વેરાવળ આવવા રવાના થઈ ગઈ છે. તામિલનાડુના રાજ્યપાલે તેમને શુભેચ્છા આપીને રવાના કર્યા હતા. અને તામિલનાડુથી આવતા લોકો પણ સોમનાથ દાદાના દર્શન કરવા અને ગુજરાતની ધરતી પર પગ મુકવા ખુબ જ આતુર છે.
આ પણ વાંચો STSangamam: બે સંસ્કૃતિઓનું મિલન કરતો એક કાર્યક્રમ એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ: હર્ષ સંઘવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે : સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ 17 એપ્રિલથી શરૂ થઈને 30 એપ્રિલ સુધી ચાલશે. મળતા સમાચાર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલે સોમનાથ આવશે અથવા તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવે તેવી શકયતા છે. જો કે સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી. તેમજ તામિલનાડુના રાજ્યપાલ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવશે.