ચાવડાએ ગૃહમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું વહીવટી વિભાગએ સરકારના હૃદય સમાન હોય છે. જ્યારે કર્મચારીઓ સરકારના હાથ પગ છે. તો આ સાથે અમિત ચાવડાએ રાજ્ય સરકારની કાર્ય પદ્ધતિ પર વાર કર્યો હતો. જેમાં સરકારી ભરતીની સાથે સરકારમાંથી નિવૃત્ત થનાર અધિકારીઓનું પણ કેલેન્ડર બનાવવું જોઈએ તેવી માંગ કરી હતી. જ્યારે રાજ્ય સરકાર ફક્ત નોકરીમાં જ નહીં પણ અહીં તો પ્રધાનમંડળમાં પણ આઉટ સોર્સિગ થાય છે, તેવું પણ નિવેદન આપ્યું હતું.
આ અંગે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજ્યમાં અનેક અધિકારીઓ ડેપ્યુટશન પર દિલ્હી અને ગુજરાતની બહાર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના વહીવટી વિભાગ પર અવળી અસર થાય છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓમાં જે સરકારની હા સાથે હા કરે છે તેમને સારી પોસ્ટ આપવામાં આવે છે. જ્યારે અમુક અધિકારીઓ સરકાર સાથે સહમત નથી થતા તેમને ખરાબ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવે છે.
આમ સરકરને જે અધિકારીઓ ફાયદો કરાવે તેઓને નિયમની મારતોડ કરીને અધિકારીઓ એક્સ્ટેન્શન આપવામાં આવે છે. જ્યારે સરકારને ન ગમતા અધિકારીઓને એક્સ્ટેન્શન આપવામાં આવતું નથી. જ્યારે સરકારને મનગમતા અધિકારીઓને નિવૃત્તિ પછી પણ તેમને સારામાં સારું પોસ્ટીંગ આપવામાં આવે છે. તમામ નિયમો ઓવર રુલ કરીને તેમને નિવૃતિ પછી ચાલું રાખવામા આવે છે. આમ ચીફ સેક્રેટેરીથી લઇને સેકશન ઓફિસર સુધીના લોકો નિવૃતિ પછી પણ તેમના હોદ્દા પર ચાલું રખાતા હોય છે.
તેમણે વઘુમાં કહ્યું કે જ્યારે વર્ષ 2006 થી સમાન કામ સમાન વેતન બાબતે ફીક્સ કર્મચારીઓએ સુપ્રીમમાં કેસ કર્યો હતો જેની સામે રાજ્ય સરકારે પણ કેસ કર્યો હતો. આ કેસ પાછો ખેંચી લેવો જોઇએ. રાજ્ય સરકારે કરેલા એ કેસ પરથી લાગે છે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે લાગણીશીલ નથી.જ્યારે GADA દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ધારાસભ્યનું માન સન્માન જળવાય તે માટેના પરિપત્રો બહાર પાડ્યા હતા, પણ અધિકારીઓઆ તમામ પરિપત્રોને ઘોળીને પી જાય છે. પ્રોટોકોલ નથી જળવાતો કલેક્ટર અને ડીડીઓ તો ધારાસભ્યોના કોલના પણ જવાબ નથી આપતા તો વહીવટી તંત્ર પર અંકુશ નહી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યા હતા. વિરજી ઠુમ્મરે આ બાબતે રાજ્યના મુખ્યસચિવ જે.એન. સિંહને પણ પત્ર લખીને રજીઆત કરી હતી.