ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ માત્ર એક વર્ષના સમયમાં રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો ભોજન પામી ચૂક્યાં છે. આ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ પાંચ રુપિયામાં ભોજનનો લાભ મળતાં બાંધકામ ક્ષેત્ર સહિતના અસંગઠતિ માળખાંઓમાં કામ કરનારા કામદારો હોય છે તેઓ મેળવી ચૂક્યા છે.
બાંધકામની સાઇટ પર ભોજનની ડિલિવરી : શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલિવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજન પહોંચાડવામાં આવે છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે.
118 કડિયાનાકા પર વ્યવસ્થા : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યમાં 10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર ભોજન પ્રદાન કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં અમદાવાદ ( 47 કડિયાનાકા ), ગાંધીનગર ( 4 કડિયાનાકા ), વડોદરા ( 12 કડિયાનાકા ), સુરત ( 18 કડિયાનાકા ), નવસારી ( 3 કડિયાનાકા ), રાજકોટ (9 કડિયાનાકા) અને મહેસાણા (7 કડિયાનાકા), વલસાડ (6 કડિયાનાકા), પાટણ (8 કડિયાનાકા) અને ભાવનગર (4 કડિયાનાકા) નો સમાવેશ થાય છે.
પાંચ રુપિયામાં ભોજન : આ યોજના અંતર્ગત શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી 37 રુપિયાની સબસીડી ચૂકવીને માત્ર પાંચ રુપિયામાં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.
ઈ નિર્માણ કાર્ડથી શ્રમિકો માટે ભોજન સુવિધા : શ્રમિક અન્નપૂર્ણા યોજનામં તમામ કેન્દ્રો ઉપર ઈ નિર્માણ કાર્ડની મદદથી ભોજન શ્રમિકો ભોજન મેળવે છે. કાર્ડનો ક્યુઆર ( QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન શ્રમિકો મેળવી શકે છે. જે લાભાર્થીઓ પાસે ઈ નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.