વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ રાજ્યના આરોગ્ય વિભાગમાં સમાવેશ થતા જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી રહેલ જગ્યા બાબતોના પ્રશ્નો કર્યા હતા, જેના જવાબમાં રાજ્યસરકારે લેખિતમાં જણાવ્યુ હતુ કે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સરકારી સ્ટાફની ભારે અછત છે. જ્યારે રાજ્યની 33 જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કુલ 4644 જગ્યાઓ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3916 જગ્યાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3455 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે લેખિતમાં જણાવ્યુ હતુ.
જ્યારે આ ખાલી જગ્યા હોવાથી સ્ટાફની ઘટ જોવના કારણે પ્રજા હાલાકીમાં હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.જ્યારે રાજ્યના આરોગ્ય કેન્દ્રમાં જે જગ્યાઓ ભરાય છે તે કોન્ટ્રાકટ અને આઉટ સોર્સિંગથી ભરવામાં આવે છે. આ સાથે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિક્રમ માડમએ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ પાસે જામનગરની સરકારી હોસ્પિટલમાં બાળકો માટે સ્પેશિયાલીસ્ટ ડોકટરની માંગ કરી હતી. જેમાં પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં MBBS ડૉકટર સરળતાથી પ્રાપ્ત થાય છે, પરંતુ સ્પેશિયાલિસ્ટ ડોકટર સરળતાથી ઉપલબ્ધ નથી થતા.