ગાંધીનગરઃ રાજ્યનો વહીવટ જ્યાંથી થઈ રહ્યો છે, તે વિધાનસભામા ફરજ બજાવતા અધિકારીઓ અને ધારાસભ્યો માટે 'ટેકનોલોજીનો માનવ જીવન પર પ્રભાવ' વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજ્યની અને કેન્દ્રની તમામ યોજનાઓ નાગરિકો સુધી સરળતાથી કેવી રીતે પહોંચાડી શકાય, તેનો વ્યાપ કેવી રીતે વધારી શકાય, તેના ઉદાહરણ સહિતની માહિતી આ સેમિનારમાં પુરી પાડવામાં આવી હતી. હવે સમય બદલાઈ રહ્યો છે, ત્યારે ઉમરલાયક ધારાસભ્ય પણ તેનો ઉપયોગ કરીને નાગરિકો સાથે સીધો સંપર્ક કરી શકે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કહ્યું કે, બદલાતા જમાનાનું ધારાસભ્યો અને પ્રધાનોને ધ્યાન રહે તે માટે સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્ય અને પ્રધાનો હાજર રહ્યા હતા. આ સેમિનાર પાછળનો એક માત્ર ઉદ્દેશ હતો કે, સમય બદલાઈ રહ્યો છે. ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે, ત્યારે તેનો ઉપયોગ નહીં કરીએ તો આપણે પોતે પાછળ રહી જઇશું. આ સેમિનારમાં નિષ્ણાંત લોકો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વડે માહિતી પૂરી પાડવામાં આવી હતી.