ગાંધીનગર ખાતે યોજાયેલા ટાર્ગેટેડ એપ્રોચ ટુ એકસીલરેટ હેલ્થ આઉટકમ્સ વિષયક બે દિવસના સેમીનારના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, સામાજિક સેવા ક્ષેત્રે ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે ઝીરો ટોલરન્સના લક્ષ્ય સાથે શ્રેષ્ઠ કામગીરી કરવા ગુજરાતે સઘન આયોજન કર્યું છે. નીતિ આયોગના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં ત્રીસ કરતાં વધુ માપદંડોના સહારે જે અવલોકન કરાયું છે, તેમાં ગુજરાતે દેશભરમાં તેનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. એનો અર્થ એ થયો કે ગુજરાતની આ ક્ષેત્રની કામગીરી સતત-એકધારી ચાલી રહી છે.
વિવિધ ક્ષેત્રોમાં નંબર-1 રહેલા ગુજરાતને ચોથા સ્થાનથી સંતોષ ન હોય તે સ્વાભાવિક છે એટલે જ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતે નક્કર ભાવિ આયોજન હાથ ધર્યું છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતે સઘન પ્રયાસો દ્વારા અનેકવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેમાં નવજાત શિશુ મૃત્યુદરમાં સુધારો થયો છે આ જ રીતે પાંચ વર્ષથી નીચેની વયના બાળમૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ, વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં અધિકારી-કર્મચારીઓની નિમણૂંક, ફસ્ટ રેફરલ યુનિટમાં સુધારો જેવા વિવિધ પાસાનો સમાવેશ થાય છે.
ગુજરાતને નંબર-1ની આદત છે ચોથા સ્થાનની નહીં તેમ ભારપૂર્વક જણાવી આ કાર્યશિબિરમાં મુખ્ય સચિવે સામાજિક અને વહીવટી સ્તરે સુધારણા માટે સૂચનો કર્યા હતા. સામાજિક સ્તરે લોકજાગૃતિ અને વહીવટી ક્ષેત્રે કાયદાનું કડક અમલીકરણ અને પરિણામલક્ષી પગલાંની હિમાયત કરી હતી. આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર રહેવાના માપદંડો ઉપર નજર રાખો તેવું સ્પષ્ટ જણાવતાં મુખ્ય સચિવે ઉપસ્થિત સૌ ઉચ્ચ અધિકારીઓને ‘મેનેજમેન્ટ સ્કીલ’ વધુ મજબૂત કરવા જણાવ્યુ હતુ.
નીતિ આયોગના સીનીયર કન્સલ્ટન્ટ ડૉ. કે. મદન ગોપાલે નીતિ આયોગના વિવિધ ત્રીસ જેટલાં માપદંડો અને તેમાં ગુજરાતની સ્થિતિ વિશે જણાવ્યું હતું. ગુજરાત પોતાની ક્ષમતા અનુસાર આરોગ્ય ક્ષેત્રે વધુ સુસજ્જ બનશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય કમિશનર જયંતિ રવિ, નેશનલ રૂરલ હેલ્થ મિશનના ડાયરેકટર ડૉ. ગૌરવ દહિયા ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારી આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યશિબિરમાં વિવિધ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી ગુજરાતને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ સ્થાને પહોંચાડવા સમૂહચિંતન કર્યું હતું.